નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ૨૫ હજાર શિક્ષકોની નિમણૂક રદ કરવાને પડકારતી અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે બંગાળ સરકારને તીક્ષ્ણ પ્રશ્ર્નો પૂછ્યા અને કહ્યું કે જ્યારે નિમણૂક પ્રક્રિયા પર જ સવાલો ઉભા થઈ રહ્યા છે તો પછી વધારાના પદો કેમ હટાવવામાં આવ્યા. એટલું જ નહીં, વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને પણ એપોઇન્ટમેન્ટ કેમ મળી? બંગાળ સરકારના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે સીબીઆઈએ પણ કહ્યું નથી કે ૨૫ હજાર શિક્ષકોની નિમણૂક ગેરકાયદે છે. બધું શિક્ષક અને વિદ્યાર્થીના ગુણોત્તર મુજબ હતું.
બંગાળ સરકારના અન્ય એક વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય પોતે જ ખોટો છે, જેમાં તેણે શિક્ષકોની નિમણૂક રદ કરી છે. તેમણે કહ્યું કે આવો નિર્ણય આપવો એ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં નથી અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે શા માટે ભરતી પરીક્ષા સાથે જોડાયેલ નકલો નાબૂદ કરવામાં આવી છે. ઓએમઆર શીટ્સ અને આન્સરશીટનું શું થયું? તેના પર વકીલે કહ્યું કે હા હવે કોપી નહીં મળે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આવું કેવી રીતે થઈ શકે. તેમણે કહ્યું કે આ શીટ્સની ડિજિટલ કોપી પોતાની પાસે રાખવાની જવાબદારી ભરતી પંચની છે. કોર્ટે કહ્યું કે જો સ્થિતિ આવી રહી તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો, જેમાં ૨૫ હજાર શિક્ષકોની નિમણૂક રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હાઈકોર્ટનું કહેવું છે કે નોકરી ગુમાવનારા શિક્ષકોને અત્યાર સુધીનો પગાર પણ પરત કરવો પડશે. જેના કારણે હજારો લોકોનું ભાવિ અસ્તવ્યસ્ત છે અને જો તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓને રકમ પરત કરવાના પૈસા ક્યાંથી મળશે તેની પણ ચિંતા સતાવી રહી છે.