ઝાલોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતેથી ઝાલોદ પોલીસે એમ્બ્યુલન્સ બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.1,99,872ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં પોલીસે કુલ 4 ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો દ્વારા નવો કીમીયો અપનાવ્યો છે. પોલીસને ચકમો આપવા એમ્બ્યુલંશ સહિત વાહના વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. અગાઉ પણ દાહોદ જિલ્લામાં એમ્બ્યુલંશ જેવા વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યાં હતાં. વિધાન સભા 2022ની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સઘન કામગીરી કરી રહી છે અને ખાસ કરીને ચુંટણી ટાણે નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા, વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વો પર લગામ કસવા તેમજ ખાસ કરીને જિલ્લામાં અને જિલ્લા બહાર વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકપોસ્ટો બનાવી સઘન ચેકીંગ પણ હાથ ધરી રહી છે. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનન બોર્ડેર પર આવેલ જિલ્લો છે. બંન્ને રાજ્યોમાંથી ગુજરાતના દાહોદ જિલ્લામાંથી વિદેશી દારૂ ઘુસાડવાનું મસમોટુ કાવતરૂં ચાલતું હોય છે. ત્યારે દારૂબંધીની સખ્ત અમલવારી વચ્ચે ઝાલોદ પોલીસ દ્વારા ગત તા.12મી નવેમ્બરના રોજ મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ વાહનોની ચકાસણી હાથ ધરતાં હતા. તે સમયે મળેલ બાતમીના આધારે પોલીસે એક મધ્યપ્રદેશની પાસીંગની એમ્બ્યુલંશ બોલેરો ફોર વ્હીલર ગાડીને ઉભી રાખી તેની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સ બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.2184 કિંમત રૂા.1,99,872ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. 5,00,372 નો મુદ્દામાલ કબજે કર્યોં હતો. ગાડીના ચાલક કમલેશભાઈ બદ્રીલાલ પાટીદાર (રહે. મધ્યપ્રદેશ) ની પોલીસે અટકાયત કરી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં શ્યામ રામેશ્ર્વર પાંચાલ (રહે. મધ્યપ્રદેશ) મેન્સા ગરબાર અને વિદેશી દારૂ મંગાવનાર ઈસમ સામેલ હોવાનું ઝડપાયેલ ચાલકે પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
આ સંબંધે ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.