યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે, હમાસે ફરીથી ઇઝરાયેલ પર મિસાઇલો છોડી

જેરુસલેમ, હમાસ અને ઈઝરાયેલ છેલ્લા સાત મહિનાથી યુદ્ધ લડી રહ્યા છે. હમાસને ખતમ કરવાનો ઇઝરાયેલનો નિર્ણય ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યાં તમામ દેશો યુદ્ધવિરામની આશા રાખતા હતા. આ સાથે જ ફરી એકવાર તણાવ વધી ગયો છે. હમાસે રવિવારે ગાઝા પટ્ટીને સહાય પહોંચાડવા માટે ઇઝરાયેલના મુખ્ય ક્રોસિંગ પોઇન્ટ પર મોટો હુમલો કર્યો.

ઇઝરાયેલી સૈન્યએ સોમવારે માનવતાવાદી સહાય ટ્રકો માટે કેરેમ શાલોમ ક્રોસિંગને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આનાથી ગાઝાના લોકોની મુશ્કેલીમાં વધારો થશે. તે જ સમયે, હમાસની સૈન્ય પાંખ, કાસમ બ્રિગેડ્સે દાવો કર્યો હતો કે આ હુમલો સરહદ નજીક ઇઝરાયેલી દળોના જૂથને નિશાન બનાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઈઝરાયેલી સેનાના કમાન્ડ હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઘણા સૈનિકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે કેરેમ શાલોમ ક્રોસિંગ પર ૧૦ રોકેટ છોડવામાં આવ્યા હતા. હમાસે આની જવાબદારી લીધી છે. ટીવી ચેનલના જણાવ્યા અનુસાર હુમલા બાદ સેનાએ તરત જ ક્રોસિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના એવા સમયે આવી છે જ્યારે ગાઝા ખોરાક, દવા અને અન્ય માનવતાવાદી સામાનની અછત સાથે માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ હુમલાથી ઇજિપ્તમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટોને જટિલ બનાવવાનો ભય છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું કે વિશ્ર્વભરના દેશોએ બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને હમાસના દુષ્ટ શાસનમાંથી મુક્ત કરવા માટે પગલાં લેવા જોઈએ.

હમાસે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલના શહેરો પર પાંચ હજારથી વધુ રોકેટ ફાયર કરીને હુમલાની શરૂઆત કરી હતી. આ પછી હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને લોકોને માર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝામાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં ગાઝામાં હમાસની જગ્યાઓ પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગાઝાનો મોટા ભાગનો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલ અને ગાઝામાં કુલ મળીને ૩૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે ગાઝા અધિકારીઓનું કહેવું છે કે ૭ ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના સૈન્ય અભિયાનમાં ૩૪,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે હજારો મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.