વડીયાના કોલડા ગામે વૃદ્ધ દંપતીએ ઝેરી ટીકડા ગળી આત્મહત્યા કરી

અમરેલી, જામકંડોરણામાં વૃદ્ધ દંપતીએ ગળાફાંસો ખાઈને સજોડે આત્મહત્યા કરી લેવાના બનાવની હજુ શાહી સૂકાઈ નથી ત્યાં વડીયા નજીક આવેલા કોલડા ગામે વૃદ્ધ દંપતીને જિંદગી અતિશય અકારી લાગતા બન્નેએ સજોડે ઝેરી ટીકડા ગળી આત્મહત્યા કરી લેતાં નાનકડા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

જામકંડોરણામાં કેન્સરની બીમારીથી કંટાળી જઈ વૃદ્ધાએ અને એના વૃદ્ધ પતિને પણ બીમારીથી કંટાળો આવી જતાં દોરડા બાંધી સજોડે આત્મહત્યા કરી લેવાની ઘટના બની હતી. આવી જ ઘટના વડિયા તાલુકાના કોલડા ગામે બની છે. આ ગામે રહેતા નાનજીભાઈ ભીખાભાઈ સોંદરડા (ઉવ.૭૫) અને જીવતીબેન નાનજીભાઈ સોંદરવા (ઉવ.૭૪)એ ઝેરી ટીકડા પી જીવનનો અંત આણી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ નાનજીભાઈ સોંદરવાને દસ વર્ષથી માનસિક બીમારી હતી. એમની દવા ચાલુ હતી. છતા તબિયતમાં કોઈ સુધારો ન આવતા કંટાળી ગયા હતા. જયારે એના પત્ની જીવતીબેનને છ માસથી પગના ગોઠણનો અસહ્ય દુ:ખાવો રહેતો હતો. તે પણ સારવાર કરાવતા હોવા છતાં સારૂ થતું ન હતુ. પરિવારની બે દિકરીઓ નાની ઉમર વિધવા થઈ હતી. અને પુત્ર કોઈ કામધંધો ન કરતો હોવાથી બધા નેગેટીવ સંજોગો ભેગા થતાં જીવનથી હારી ગયા હતા. આથી બન્નેએ ઝેરી ટીકડા પી લેતાં તેમને સારવારમાં હોસ્પિટલમાં ખસેડયા હતા. જેનુું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા.