અમરેલી,૫૧ વર્ષીય સીઆઇએસએફ ઓફિસર રામ પવિત્ર રામ સાથે અજાણી વ્યક્તિ દ્વારા ૯,૯૩,૨૯૯ નો સાઇબર ફ્રોડ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૂળ પશ્ર્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના વતની અને હાલ રાજુલા ખાતે ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવી રહેલા સીઆઇએસએફના ઓફિસર સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ છે. તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ખાતે આઈપીસી ૪૦૬, ૪૧૯ તેમજ આઇટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા રામ પવિત્ર રામને ફોન કરીને એસબીઆઇના કસ્ટમર કેર અધિકારીની ખોટી ઓળખ આપવામાં આવી હતી. તેમજ ત્યારબાદ રામ પવિત્ર રામને પોતાના વિશ્વાસમાં લઈ તેમના મોબાઈલ ફોનના વોટએપમાં ફાઈલ મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રામ પવિત્ર રામના એસબીઆઇ એકાઉન્ટમાંથી જુદા જુદા રકમના ટ્રાન્જેક્શન કરીને કુલ ૯,૯૩,૨૯૯ રૂપિયા જેટલી રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં રામ પવિત્ર રામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું સીઆઇએસએફ યુનિટ ચેન્નઈ તમિલનાડુ ખાતે ફરજ બજાવું છું. હાલ લોક્સભાની સામાન્ય ચૂંટણી હેઠળ અમારી ઇલેક્શન કંપની ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ખાતે ફરજમાં છે. અગાઉ કોલકત્તા ખાતે જમીન ખરીદવા માટે સ્વપ્નભૂમિ પ્રાઇવેટ લિમિટેડ નામની રીયલ એસ્ટેટ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જેને એડવાન્સ પેટે ૫૦૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ જમીનની ડીલ કેન્સલ થતા એડવાન્સ પેટે જે રકમ આપેલી હતી તે કંપની દ્વારા બે ટકા કાપીને ૪૯ હજાર રૂપિયા મારા પત્ની માયાદેવીના નામથી ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક મારી પત્નીએ બેંકમાં વટાવી દીધો હોવા છતાં ખાતામાં રૂપિયા જમા નહોતા થયા. જેના કારણે ત્રીજી મેં ૨૦૨૪ ના રોજ પત્નીએ બેંકમાં જમા કરાવેલા રૂપિયા જમા થયા છે કે કેમ તે બાબતે મોબાઈલ ફોનમાં એસબીઆઇ એપ્લિકેશન ચેક કરવા માટે ખોલવા જતા તેઓ ઓપન નહોતી થતી.
જેના કારણે ગુગલ બ્રાઉઝરમાં લખીને સર્ચ કરતા ૬૩૭૨૭૦૭૦૨૩ નંબર જોવા મળ્યા હતા. જે નંબર ઉપર ફોન કરીને એપ્લિકેશન ખુલતી નથી તેમ જ પત્નીએ ખાતામાં ચેક જમા કરાવેલ હોવા છતાં પૈસા જમા નથી થયા તે બાબતે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, હું તમને વિગત ચેક કરીને વોટસએપમાં કોલ કરીશ તે તમે રિસીવ કરજો. થોડીવાર બાદ વોટએપમાં વીડિયો કોલ આવતા મેં વીડિયો કોલ કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ ફરીથી વીડિયો કોલ આવતા તેમણે મને વોટએપમાં એપ્લિકેશન ફાઈલ મોકલાવી હતી. જે એપ્લિકેશન ફાઈલ ઓપન કરવાનું તેમ જ ડાઉનલોડ કરવાનું કહેતા મેં એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી હતી. અંદાજિત ૪૦ ૪૫ મિનિટ વીડિયોના માધ્યમથી વાતચીત થઈ હતી. થોડીવાર બાદ મોબાઇલ ફોનમાં ઘણા ટેક્સ મેસેજ આવવા લાગ્યા. જે ચેક કરતા એપ્લિકેશનના માધ્યમથી ઓટીપી, એમપીઆઈએન બદલવાના અને પૈસા કપાયાના મેસેજ જોવા મળ્યા હતા. જુદા જુદા ટ્રાન્જેક્શન દ્વારા કુલ ૯, ૯૩,૨૯૯ રૂપિયા અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ