અમદાવાદ, અમદાવાદનાં વાડજ વિસ્તારમાં આવેલા જવેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે ચોર ગેંગની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપમાં ગત તારીખ ૩૦ એપ્રિલના રોજ દુકાન ખોલતાની સાથે જ ત્રણ લોકો જેમાં બે પુરુષ અને એક સ્ત્રી દુકાનમાં સોનાની ખરીદીના બહાને આવ્યા હતા. જે પહેલા તો વેપારી પાસે સોનાની વસ્તુ કઢાવે છે ત્યારે વેપારી પણ એક બાદ એક વસ્તુ કહેવા પ્રમાણે બતાવે છે. ત્યારે વસ્તુઓે જોતા જોતા વેપારીની નજરથી બચાવી દોઢ લાખથી વધુની કિંમતના સોનાના દાગીની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે આ મામલાને લઈને વેપારીએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વાડજ પોલીસે પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી, કરણ ઉર્ફે કાલુ દંતાણી તેમજ ભારતીબેન દંતાણીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું છે કે ત્રણેય લોકોએ ચોરીનાં ઇરાદે એક સાથે મળીને નીકળ્યા હતા અને જ્વેલર્સની દુકાનમાં વેપારની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો હતો.
ત્રણેય આરોપીઓ એકબીજાના પરિચિત છે. ત્રણેય આરોપીઓએ છકડો રીક્ષા ભાડે કરી જ્વેલરી ખરીદવાના બહાને તે દુકાનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી વિરુદ્ધ અગાઉ કડી પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જ્યારે આરોપી કરણ ઉર્ફે કાલુ દંતાણી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વાડજ પોલીસે જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ૪૦ જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ત્રણેય દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ આ ઉપરાંત જે છકડો રીક્ષા લઈને આરોપીઓ ચોરી માટે આવ્યા હતા તેના માલિક અથવા અન્ય કોઈ ચોરીની ઘટનામાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.