
.ચેન્નાઇ, આઇપીએલ ૨૦૨૪માં રવિવારે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ મુકાબલો જીતી ગઈ હતી. ચેન્નાઈએ પંજાબને ૨૮ રનોથી હરાવી હતી. તેમજ આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે ટોપ ૪ માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. આ મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેચમાં તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. આ મુદ્દે પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
પંજાબ કિંગ્સ સામે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ચેન્નાઈની ટીમ ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. ત્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને ખૂબ જ પાછળથી બેટિંગ કરવા મોકલ્યો હતો. આ મેચમાં ધોની ૯મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુર ધોનીની પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. અનુસંધાને હરભજન સિંહે સવાલો ઉભા કર્યા છે.
હરભજને કહ્યું કે જો એમએસ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માંગતો હોય તો તેણે ના રમવું જોઈએ. પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો વધુ સારો છે. તે નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિ છે અને તેમણે બેટિંગમાં ન આવીને પોતાની ટીમને નિરાશ કરી છે. શાર્દુલ ઠાકુર ક્યારેય ધોનીની જેમ શોટ મારી શકે નહીં અને મને સમજાતું નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી. તેની પરવાનગી વિના કંઈ થતું નથી અને હું એ માનવા તૈયાર નથી કે તેને બેટિંગ કરવા માટે અન્ય કોઈએ આ નિર્ણય લીધો હશે. એક તરફ ધોની ખૂબ જ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો અને બીજી તરફ તેને ૦ના સ્કોર પર હર્ષલ પટેલે યોર્કર ફટકારીને આઉટ કર્યો હતો.