ભાજપને વોટ કરશો તો પાકિસ્તાનમાં ઉજવણી થશે, શિવસેના પ્રમુખ ઠાકરે

થાણે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ થાણેમાં યોજાયેલી સભામાં ભાજપ અને વડાપ્રધાન મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. ભાજપની જાહેરાત પર પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું કે જો તમે ભાજપને મત આપો તો પાકિસ્તાનમાં ઉજવણી થશે.

તેમણે કહ્યું કે અખબારમાં જાહેરાત જુઓ, ૧૦ વર્ષ સત્તામાં રહીને મૂર્ખ જનતા પાર્ટી કહે છે કે, તમે તમારા વોટિંગ પછી ક્યાં ઉજવણી કરશો, ભારતમાં કે પાકિસ્તાનમાં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મોદીજી, તમારી હાર પછી દેશમાં જશ્ર્ન થશે અથવા કદાચ તમે ભાજપને મત આપો તો પાકિસ્તાનમાં ઉજવણી થશે. ઠાકરેએ સવાલ કર્યો હતો કે નવાઝ શરીફના જન્મદિવસ પર કેક ખાવા માટે કોણ આમંત્રણ વિના ગયું હતું. મોદીજી તો ગયા જ હતા ને?

શિવસેના પ્રમુખ (ઠાકરે જૂથ)એ કહ્યું કે પાકિસ્તાનમાં ઉજવણી થશે, બિનઆમંત્રિત મહેમાન પાછા ફરવાના છે, કેક તૈયાર રાખો. પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં શું કામ થયું તે જણાવવું જોઈતું હતું, જે કંઈ કામનું નથી તે રામનું નથી.

રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે જો ભાજપ લોક્સભા ચૂંટણી જીતશે તો ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાનમાં પણ ફટાકડા ફોડવામાં આવશે કારણ કે વડાપ્રધાન મોદીની આ ટિપ્પણી પર નવી દિલ્હીમાં કાયર સરકાર હશે. ભાજપે ટીકા કરી કે પાકિસ્તાન રાહુલ ગાંધીને ભારતના આગામી વડાપ્રધાન બનાવવા આતુર છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ ચૂંટણી દરમિયાન પાકિસ્તાનનું નામ લઈને ભય ફેલાવવાનો આશરો લે છે.