ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટે યોજાનાર મતદાનને લઇ ચુટણી પંચે તૈયારીઓ પુરી કરી

  • પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ, આવતીકાલ તા.૭ મેના રોજ રાજ્યભરમાં લોક્સભાની ચૂંટણીને લઈને મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિધાનસભા વાઇઝ ઇવીએમ અને અન્ય સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરાયા છે. ગુજરાતમાં ૨૬માંથી ૨૫ બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં આવેલા ૨૧ વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- ૫૪૫૮ મતદાન મથકોમાં છેલ્લી ઘડીની તૈયારી ચાલી રહી છે. જ્યાં આજે વિધાનસભામાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ ઈવીએમ અને વીવીપેટ મતદાન મથક પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કુલ ૫૪૫૮ મતદાન મથક પર ઉપયોગમાં લેવાનાર બીયુ સીયુ અને ઇવીએમ વીવીપીએટી મતદાન મથક પર લઈ જવાયા છે ચૂંટણી પંચ દ્વારા નિયત ધારા ધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે બીયુ – બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે સીયુ – કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી કરાઈ. અને તેમાં પણ આ વખતે અમદાવાદ પૂર્વમાં ૧૮ ઉમેદવાર હોવાને લઈને ૧૮૨૦ બુથ પર બે બીયુ મશીન રખાશે. સામાન્ય રીતે ૧૫ ઉમેદવાર અને એક નાટો હોય ત્યારે એક બીયુ મશીન હોય.આ તમામ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ.

વડોદરામાં મતદાનની તડામાર તૈયારીઓને અંતિમ રૂપ અપાયું છે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આશરે ૧૮૦૨ મથકો પર મતદાન થશે. જેમાં ૧૫ હજારથી વધુ કર્મચારીઓ જોડાશે. મતદાન કેન્દ્રો માટે ઇવીએમ વીવીપીએટી સહિત અન્ય સાહિત્યનું વિતરણ કરાયું. કલેક્ટર અને ચૂંટણી અધિકારીની દેખરેખમાં કામગીરી કરાઈ હતી. શહેરના ૧૦ સ્થળો પર ચૂંટણી સામગ્રી મોકલાઈ છે. પોલીટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નસગ કોલેજ સહિત ૧૦ સ્થળોથી ઇવીએમ વીવીપીએટી અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ છે.

રાજકોટ લોક્સભાની ચૂંટણીના મતદાનને લઈને ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ અને ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઈ છે. તો બીજી તરફ શહેર પોલિસ દ્રારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ લોક્સભા બેઠક પર ૩૨૫૦ અધિકારીઓ અને પોલિસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે, જેમાં ૧ એડીજી, ૧ ડીઆઇજી, ૪ એસપી ૮ ડીવાયએસપી, ૨૬ પીઆઇ, ૬૫ પીએસઆઇની બંદોબસ્તમાં ફાળવણી કરાઈ છે. જ્યારે ૧૨૨૨ પોલીસ જવાનો ,૧૩૭૪ હોમગાર્ડ જવાનો, ૪ કંપનીના (આશરે ૫૦૦) સીઆરપીએફ જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. શહેરની ૫૦૦ બિલ્ડિંગમાં ૧૨૦૦ મતદાન મથક પર મતદાન થશે.