કુંભાણી અને તેમના ટેકેદારો સામે ફોર્મમાં ખોટી સહીનો આરોપ મૂકવામાં આવ્યો છે

  • નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ખોટી એફિડેવિટ બદલ નોટિસ

સુરત, કોંગ્રેસ રહીરહીને જાગી છે. ભાજપ સામેના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ નામાંકનના અંતિમ દિવસે ઉમેદવારોની ખોટી સહીના મુદ્દે રદ થતાં કોંગ્રેસ મેદાનમાં આવી છે. આ પગલાંના કારણે કોંગ્રેસનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા.આના પગલે કુંભાણી અને તેમના ટેકેદારો સામે પગલાં લેવાની માંગે કોંગ્રેસમાં જોર પકડ્યુ હતુ. છેવટે કોંગ્રેસના લીગલ સેલે પોલીસ કમિશ્ર્નરમાં અરજી કરી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુંભાણી અને તેમના ટેકેદારો સામે ફોર્મમાં ખોટી સહીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કોંગ્રેસના લીગલ સેલના વકીલ ઝમીર શેખે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીતમાં આ વાત જણાવી હતી. એડવોકેટ ઝમીર શેખના જણાવ્યા મુજબ ટેકેદારોએ ફોર્મમાં પોતાની જ સહી હતી. પોલીસ કમિશ્ર્નર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આના પગલે કુંભાણીની સાથે તેમના ટેકેદારો પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ચૂંટણી પૂરી થવાની સાથે જ આ કાર્યવાહી વેગ પકડી શકે છે.

કુંભાણીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમા કહેવામાં આવ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષે નિલેશ કુંભાણીને સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.

કોંગ્રેસે પાઠવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમારા ફોર્મને રદ કરવામાં આવ્યું તેમા સ્પષ્ટપણે તમારી નિષ્કાળજી અને બેદરકારી દેખાઈ રહી છે. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્દાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો છો અને તમારો પક્ષ રજૂ કરી શકો છો. તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. હવે તમે નાટ્યાત્મક રીતે અદ્રશ્ય થઈ ગયા છો. કોઈપણ જાતનો ખુલાસો ન કરતાં પક્ષે તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.