દાહોદ જિલ્લામાં મતદારોની સુવિધા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી જરૂરી વ્યવસ્થાઓ, મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાનનું આયોજન કરાયું

દાહોદ, દાહોદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લાનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે.

આવતી કાલે યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ હિટવેવ ની સ્થિતીને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.વધુમાં, તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ/ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ હશે. જેમાં મતદારને અસામાન્ય સંજોગોમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ઓ.આર.એસ.ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત સન સ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેકટર ઓફિસર સાથે મેડીકલ ટીમ રહેશે, જેની પાસે પ્રાથમિક સારવાર માટે જરૂરી મેડિકલ કીટ્સ ઉપલબ્ધ રહેશે. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી મેડિકલ કોલેજ સહિતના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

મતદાનના દિવસે ગરમી અને હિટવેવ ની સ્થિતીને પહોંચી વળવા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને અપીલ કરી છે. જેમ કે, મતદારે સાથે પાણી રાખવું અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવું, હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ઓ.આર.એસ./લીંબુ શરબત/ છાસ વગેરેનો ઉપયોગ કરવો. જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું.

મતદાન માટે મતદારો એ ધ્યાનમાં રાખવાની બાબતો:

મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન ઍપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને લેવી.

” જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો ઈપીસી કાર્ડ અથવા ઈ-ઈપીસી ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે.

” મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.

” મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.

” મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં,

” મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.