
- હાલોલ વિધાનસભાના 342 મતદાન બુથોમાંથી 102 ક્રિટિકલ, 06 મહિલા, 01 દિવ્યાંગ બુથ; 102 બુથો ઉપર વેબકાસ્ટિંગથી મોનિટરિંગની વ્યવસ્થા.
હાલોલ, આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે હાલોલની વીએમ હાઇસ્કૂલ ખાતે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 342 પોલિંગ બુથો માટે સામગ્રીનું વિતરણ કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
છોટાઉદેપુર લોકસભા વિસ્તારની હાલોલ વિધાનસભામાંસમાવિષ્ટ જાંબુઘોડા તાલુકાના 43, ઘોઘંબા તાલુકાના 86 તેમજહાલોલ તાલુકાના 213 પોલિંગ બુથ માટે ચૂંટણી પ્રક્રિયા માટેનીસામગ્રી વિતરણની વ્યવસ્થા હાલોલની વીએમ હાઇસ્કૂલ ખાતેઅધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 2000 જેટલાસરકારી કર્મચારીઓ અત્રેના 342 મતદાન મથકોમાં ચૂંટણીપ્રક્રિયા કરાવશે.આ તમામ મતદાન બુથો ઉપર ચૂંટણી કામગીરીમાં રોકાયેલો કર્મચારીઓનો તેમજ સુરક્ષા કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા માટેની સામગ્રી સાથે અત્રેથી રવાના થયો હતો. રૂટ મુજબ વ્યવસ્થા કરવામાં આવેલી એસટી બસોમાં બેસીને તમામ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના મતદાન બુથ ઉપર પહોંચી જશે. જેઓ આવતીકાલે સવારે 7:00 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરાવશે. હાલોલ વી.એમ હાઇસ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી આજે મત કુટીર ઇવીએમ મશીન, વિવિપેટ મશીન સહિતની સામગ્રી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને આપવામાં આવી હતી. બપોરે તમામ કર્મચારીઓ તેઓના રૂટ મુજબની એસટી બસોમાં બેસીને મતદાન મથકો ઉપર રવાના થયા છે.
હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન બુથો હાલોલ તાલુકામાં અને શહેરમાં આવેલા છે. આ 213 મતદાન બુથો પૈકી હાલોલની વીએમ હાઇસ્કૂલ ખાતે 06 મહિલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં તમામ ચૂંટણી પ્રક્રિયા મહિલા કર્મચારીઓ દ્વારા પૂર્ણ કરાવવમાં આવશે. જ્યારે હાલોલની એમએસ હાઇસ્કૂલ ખાતે એક દિવ્યાંગ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો 102 જેટલા ક્રિટિકલ મતદાન મથકો ઉપર ચુસ્ત અને સઘન પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા હાલોલ વિધાનસભા મતવિસ્તારના 342 મતદાન મથકોમાંથી 171 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.