સાઓ પાઉલો, બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ બાદ મૃત્યુઆંક વધીને ૫૭ પર પહોંચી ગયો છે. સ્થાનિક અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ઉરુગ્વે અને આર્જેન્ટિનાની સરહદે આવેલા રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલની નાગરિક સુરક્ષા સત્તાધિકારીએ જણાવ્યું હતું કે ૬૭ લોકો હજુ પણ ગુમ છે. ૩૨ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. રાજ્યના ૪૯૭ શહેરોમાંથી બે તૃતિયાંશ વિસ્તારને વાવાઝોડાએ અસર કરી છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. ભૂસ્ખલનથી નાના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ડેમને આંશિક નુક્સાન થયું છે. બેન્ટો ગોન્સાલ્વીસ શહેરમાં બીજો ડેમ પણ તૂટી પડવાનું જોખમ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રિયો ગ્રાન્ડે દો સુલની રાજધાની પોર્ટો એલેગ્રેમાં ગુઆઇબા તળાવમાં પાણી વધ્યું , શેરીઓ છલકાઈ ગઈ. પોર્ટો એલેગ્રેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટે તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી છત્રીસ કલાકમાં રિયો ગ્રાન્ડે દો સુલના ઉત્તર અને પૂર્વોત્તર વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જો કે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે.