મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ ની ૫૨મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક્તરફી જીત મેળવી હતી. આ જીત સાથે આરસીબી પ્લેઓફની રેસમાં યથાવત છે. આ મેચમાં આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે જ તેણે આઈપીએલમાં એક એવું કારનામું પણ કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું.
આ મેચમાં વિરાટ કોહલીએ ૨૭ બોલમાં ૪૨ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ૨ ફોર અને ૪ સિક્સર ફટકારી હતી. વિરાટની આ ઇનિંગના કારણે ટીમે ૪ વિકેટે જીત મેળવી હતી. આ સાથે વિરાટ કોહલીએ આઇપીએલમાં જીતેલી મેચોમાં પોતાના ૪૦૦૦ રન પણ પૂરા કર્યા. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી આઇપીએલ ઈતિહાસમાં જીતેલી મેચમાં ૪૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ ખેલાડી આ સ્થાન સુધી પહોંચી શક્યો ન હતો.
આઇપીએલમાં જીતેલી મેચોમાં સૌથી વધુ રન
૪૦૩૯ રન – વિરાટ કોહલી*
૩૯૪૫ રન – શિખર ધવન
૩૯૧૮ રન – રોહિત શર્મા*
૩૭૧૦ રન – ડેવિડ વોર્નર
૩૫૫૯ રન – સુરેશ રૈના
ટી ૨૦ ફોર્મેટમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી
વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન પોતાની ટી ૨૦ કારકિર્દીમાં ૧૨૫૦૦ રનનો આંકડો પણ સ્પર્શ કર્યો હતો. વિરાટ ટી ૨૦ ક્રિકેટમાં ૧૨૫૦૦ કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા માત્ર ક્રિસ ગેલ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટ ચોથા સ્થાન પર છે. વિરાટે ટી૨૦ ક્રિકેટમાં ૧૨૫૩૬ રન બનાવ્યા છે.
ટી ૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન
૧૪૫૬૨ રન – ક્રિસ ગેલ
૧૩૩૬૦ રન – શોએબ મલિક
૧૨૯૦૦ રન – કિરોન પોલાર્ડ.
૧૨૫૩૬ રન – વિરાટ કોહલી*