મોકામા, બિહારમાં લોક્સભા ચૂંટણી દરમિયાન વધુ એક બાહુબલી જેલમાંથી મુક્ત થયો છે. મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત કુમાર સિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેને ૧૫ દિવસની પેરોલ મળી છે. અનંતનું તેમના સમર્થકો દ્વારા વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવી રહ્યા છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ અનંત સિંહે તેમના સમર્થકોને તેમની ખાસ શૈલીમાં મળ્યા હતા. આ દરમિયાન તેણે ડાર્ક ચશ્મા પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે બિહારની રાજનીતિમાં અનંત સિંહની ઈમેજ મજબૂત નેતાની રહી છે. અનંત સિંહ લગભગ ૫ વર્ષથી જેલમાં છે. તેના પર એકે ૪૭ રાખવાનો આરોપ છે, જે અંતર્ગત કોર્ટે તેને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. તે પટનાની બેઉર જેલમાં સજા કાપી રહ્યો છે.તેણે કોર્ટમાં પેરોલની માંગણી કરી હતી, ત્યારબાદ તેને ૧૫ દિવસની પેરોલ મળી હતી. તે રવિવારે સવારે જ જેલમાંથી બહાર આવ્યો હતો.
અનંત સિંહની પત્ની નીલમ સિંહ હાલમાં આરજેડી ધારાસભ્ય છે. બિહારમાં લોક્સભાની ચૂંટણી છે. બિહારના મુંગેરમાં ચોથા તબક્કામાં (૧૩ મે) લોક્સભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં અનંતસિંહ જેલમાંથી મુક્ત થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અનંતને જમીનની વહેંચણી માટે પેરોલ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે અનંતને તેની પૈતૃક જમીન અને મિલક્તની વહેંચણી માટે ૧૫ દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. અનંત સિંહને છોટે સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સમયે તેઓ નીતીશના ખૂબ નજીક હતા, બાદમાં તેઓ લાલુની નજીક બની ગયા.