દે.બારીઆમાં ગેરકાયદેસર રેતી વહન કરતા 10 ડમ્પરો સહિત ટ્રકો ઝડપાઈ

દે.બારીઆ, દે.બારીઆ નગરમાંથી ગેરકાયદે રેતી વહન કરતી 10થી વધુ ટ્રકો અને હાઈવા ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

દે.બારીઆ નગરમાંથી પસાર થતી રેતી ભરેલી ગેરકાયદે ઓવરલોડ 10 જેટલી ટ્રકો તેમજ હાઈવા ડમ્પર મળી કુલ 14 વાહનો સ્થાનિક પોલીસે ઝડપી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કેટલાક વચેટીયાઓ તેમજ અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. જે પછી પોલીસ દ્વારા તમામ રેતી ભરેલ ગાડીઓનો વજન કરાવી કેટલીક ગેરકાયદે રોયલ્ટી પાસ વગર તેમજ રોયલ્ટી પાસથી વધુ ભરેલ રેતીની ગાડીઓની કાર્યવાહી હાથ ધરી ખનીજ વિભાગને મોકલી આપતા અન્ય ગેરકાયદે રેતી વહન કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસે એકાએક 14 જેટલી રેતી ભરેલ ગાડીઓને ઝડપી પાડતા ગાડીઓ પાસ કરાવતા એજન્ટો કયાંક ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેમ જોવા મળી રહ્યુ છે. પોલીસ દ્વારા આ તમામ ગાડીઓના ચાલકોના મોબાઈલની તપાસ હાથ ધરવામાં આવી હોત તો ગેરકાયદે મોબાઈલમાં ગ્રુપ બનાવી ગાડીઓ પાસ કરાવનાર એજન્ટો પણ પકડાઈ જવા પામ્યા હોત ત્યારે ખનીજ વિભાગ દ્વારા આ ગેરકાયદે રેતી ખનન કરતા વાહનચાલકોને દંડ ફટકારી સંતોષ માનશે કે પછી ગેરકાયદે જયાંથી રેતી ભરવામાં આવી હતી તે માફિયાઓ સામે પગલા લેશે તેના ઉપર સવાલો ઉભા થયા છે.