વાયુસેનાના કાફલા પર પીએએફએફના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. PAFFએ ગયા વર્ષે પણ આવો જ હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે, આતંકવાદીઓ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં ત્રણ અઠવાડિયામાં મતદાન થવાનું છે. રવિવાર (5 મે) સવારથી જ પુંછના જંગલોમાં આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ ચેકપોઇન્ટ ગોઠવી છે અને વિસ્તારમાં ચેકિંગ ચાલુ છે. ભારતીય સેનાના વધારાના દળો શનિવારે મોડી રાત્રે પૂંચમાં જરા વાલી ગલી (JWG) પહોંચ્યા જે સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કહ્યું કે, કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં એરમેનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો. આ દરમિયાન પાંચ જવાનોને ગોળી વાગી હતી જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક એરમેન શહીદ થયા છે. પુંછમાં આ આતંકવાદી હુમલા બાદ PAFF ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ આતંકી સંગઠન વિશે.

 જણાવ્યા અનુસાર, પુંછમાં ઘાતકી હુમલો કરનાર આતંકવાદી સંગઠને ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. એરફોર્સના કાફલા પર હુમલા પછી અધિકારીઓને આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણીની શંકા હતી જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે નજીકના બફલિયાઝમાં સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ PAFF આતંકવાદી મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ એક સંગઠન છે. તે ઘણીવાર ઘાટીમાં આતંકવાદી હુમલાઓ કરતું રહ્યું છે. ઓગસ્ટ 2019માં જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે આ આતંકવાદી સંગઠન ચર્ચામાં આવ્યું હતું. તાજેતરના સમયમાં PAFF એ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકો પર મોટાભાગના આતંકવાદી હુમલાઓની જવાબદારી લીધી છે. PAFF આતંકવાદી હુમલા કરતી વખતે બોડી કેમેરાનો ઉપયોગ કરે છે. આ પછી વીડિયો જાહેર કરીને પ્રચાર કરવામાં આવે છે. ગૃહ મંત્રાલયે PAFFને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 35 હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ આતંકવાદી સંગઠને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘાટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને મારી નાખવાની ધમકી આપી છે.

વાસ્તવમાં PAFFએ ગયા વર્ષે 21 ડિસેમ્બરે સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળ ધેરા કી ગલી અને બફલિયાઝની વચ્ચે ધત્યાર વળાંક પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે સૈનિકો આર્મીના વાહનમાં સર્ચ ઓપરેશન માટે જઈ રહ્યા હતા. આ ઓચિંતા હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા.ગયા વર્ષે જ 20 એપ્રિલે PAFF આતંકવાદીઓએ પુંછ જિલ્લાના મેંધર તહસીલના ભટ્ટા દુરિયન વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના વાહનમાં આગ લાગી હતી જેમાં પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો હતો. PAFF એ ઘટનાનો 2.5 મિનિટનો વીડિયો જાહેર કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે.