જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધોની વાત આવે છે ત્યારે ભૂતકાળ વર્તમાન બની જાય છે અને ભવિષ્યમાં શીખવા માટે કોઈ અપ્રિય બોધ છોડી જાય છે. પાકિસ્તાન જ્યારથી ભારતથી છૂટું પડ્યું છે, તેણે ક્ષેત્રીય જીત હાંસલ કરવાની કોશિશ કરી છે. જોકે દર વખતે તે નિષ્ફળ રહ્યું છે. પચ્ચીસ વર્ષ પહેલાં ૩જી મેના દિવસે જ કારગિલ યુદ્ઘ શરૂ થયું હતું. પાકિસ્તાને પહેલાં ઘૂસણખોરોને મોકલ્યા, પછી સૈન્ય હુમલાને અંજામ આપ્યો, કારણ કે ભારત એવા હુમલા પ્રત્યે લાપરવાહ હતું. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના ત્રણ મહિનાની અંદર જ કારગિલની ઘટના બની.
ભારતને ઘૂસણકોરો વિશે અચાનક ખબર પડી. તાશી નામગ્યાલ નામનો એક ઢોર ચરાવનારો જ્યારે પોતાનાં ખોવાયેલાં ઘેટાં શોધી રહ્યો હતો, ત્યારે તેણે પઠાણી પહેરેલા પાકિસ્તાનીઓને જોયા, જે બાલ્ટિક પર્વત શૃંખલા પર બંકર ખોદી રહ્યા હતા. નેવું ડિગ્રીના ઊભા ખડક પર ચડાઈકરનારા યુવા સૈન્ય અધિકારીઓ અને જવાનોએ બહાદરીથી પાકિસ્તાની ગોળીઓનો સામનો કર્યો અને પોતાના ભારતીય નેતૃત્વને ગર્વ કરવાનો અવસર પ્રદાન કર્યો. આ યદ્ઘમાં મોટાભાગે ૨૨ થી ૩૫ વર્ષના યુવા જવાન શહીદ થયા. સત્તાવાર રૂપે ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા, જ્યારે પાકિસ્તાનના ૩૫૭ થી ૪૫૩ જેટલા જવાનો માર્યા ગયા. પાકિસ્તાને પોતાના ૬૦૦ અન્ય જવાનોની લાશો પર દાવો નહિ કરીને તેમને અપમાનિત કર્યા. પરિણામે ભારતે જ તેમના અંતિમ સંસ્કાર કરવા પડ્યા.
વસ્તુત: આ ભારત માટે મુશ્કેલ કામ હતું. પાકિસ્તાનીઓના આકરા પ્રતિરોધનો સામનો કરતાં ભારતે પોતાની વાયુસેના અને બોફોર્સ તોપને તૈનાત કરીને પોતાની રક્ષા કરી. એ જ વર્ષે એક ભારતીય યાત્રી વિમાનનું અપહરણ થયું, જેને પહેલાં લાહોર, પછી કંધાર લઈ જવામાં આવ્યું. ભારતે વિમાન, ચાલક દળ અને યાત્રીઓને સુરિક્ષત છોડાવવા માટે ચાર કાશ્મીરી આતંકવાદીઓને છોડી મૂકવા પડ્યા. પચ્ચીસ વર્ષ બાદ પણ આ નિષ્ફળતાઓ પર ભારતમાં બહુ ઓછી ચર્ચા થઈ છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક નજમ સેઠી કહે છે, ‘ભારત સાથે પાકિસ્તાને જેટલાં પણ યુદ્ઘ કર્યાં, તે બધામાં હારી ગયું, જોકે તેણે જ તેની યોજના બનાવી હતી, પરંતુ કશું હાંસલ ન કરી શક્યું.’
પહેલાં શિયાળામાં કારગિલ ક્ષેત્રની ઊંચાઈની ચોકીઓને બંને દેશોના સૈનિક ખાલી કરી દેતા હતા અને પછી વસંતના હવામાનમાં ત્યાં તૈનાત થઈ જતા હતા. ૧૯૯૯ના શિયાળામાં પાકિસ્તાની ફોજે ભારતીય સેના કરતાં પહેલાં જ કારગિલ દ્રાસ અને બાલ્ટિકની વ્યૂહાત્મક ચોટીઓ પરની અગ્રીમ ચોકીઓ પર આતંકીઓના સહયોગથી કબ્જો કરી લીધો. જોકે તેણે એવું ભારતીય વિસ્તારો પર કબ્જા માટે નહીં, બલ્કે ભારત પર વ્યૂહાત્મક સરસાઇ મેળવવા માટે કર્યું હતું. જો તે સફળ થઈ જાત તો રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૧ને અવરુદ્ઘ કરીને કાશ્મીર ઘાટી અને લદ્દાખ વચ્ચે સંપર્ક કાપી શક્તું હતું. પાકિસ્તાની યોજનાકાર ઇચ્છતા હતા કે ભારતને સિઆચેન ગ્લેશિયર છોડવા અને કાશ્મીર પર વાતચીત કરવા માટે મજબૂર કરવામાં આવે. પરંતુ ૧૯૮૪માં સિઆચેન ગ્લેશિયર પર કબ્જા બાદથી આજ સુધી ભારત એના પર કબ્જો જમાવીને બેઠું છે. કારગિલ યદ્ઘ બાદ બંનેમાંથી કોઈપણ પક્ષ દુનિયાના સૌથી ઊંચા યુદ્ઘ ક્ષેત્રને છોડવા નથી માગતા.
પાકિસ્તાની લેખક તારિક અકીલ અનુસાર, સૈન્ય બાબતોની સીમિત જાણકારી હોવાને કારણે નવાઝ શરીફ ભારતીય સેનાની પલટવાર કરવાની ક્ષમતાથી વાકેફ નહોતા. તેઓ એ ભ્રમમાં હતા કે ઘૂસણખોરો સફળ થઈ જશે અને કારગિલ પર કબ્જો કરી લેશે, જેનાથી ભારતને કાશ્મીર પર અંતિમ સમજૂતી કરવા માટે મજબૂર કરી શકાશે અને તે ઇતિહાસમાં કાશ્મીર વિજેતા રૂપે ઓળખાશે.
પાકિસ્તાની યોજનાકારોએ માની લીધું હતું કે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે, તેથી ભારત આંતરરાષ્ટ્રીય સીમા પર કોઈ મોટં પગલાં નહીં ઉઠાવે. આંતરરાષ્ટ્રીય સમુદાય પ્રારંભિક ચરણમાં જ હસ્તક્ષેપ કરશે, જેનાથી નિયંત્રણ રેખા પાર મળેલી સરસાઈ પર પાકિસ્તાનનો કબ્જો થઈ જશે તથા ચીન પાકિસ્તાનનો પક્ષ લેશે અને ભારતીય સેના ઊંચાઈ પર લડવા માટે પ્રશિક્ષિત પર્યાપ્ત સૈનિકોને એકઠા નહીં કરી શકે. પરંતુ આ તમામ વાતો ખોટી સાબિત થઈ. કોઈએ પણ પાકિસ્તાનની એ વાતને ન માની કે કાશ્મીરીઓ સ્વતંત્રતા માટે ભારતીય સેના સામે લડી રહ્યા છે અને તેમાં પાકિસ્તાની સેના સામેલ નથી. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિટંને નવાઝ શરીફને આદેશ આપ્યો કે તેઓ તમામ પાકિસ્તાની સૈનિકોને ભારતીય ચોકીઓ પરથી પાછા બોલાવી લે.