વડોદરા, વડોદરાના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાકે ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ સાબિત કર્યું છે. કેન્સરના રોગથી પીડાતા પત્ની પ્રજ્ઞાબેન ટાંકનું અવસાન થયું હોવા છતાં પત્નીની લોકીક ક્રિયા પતાવી ત્રીજા દિવસે ફરજ પર હાજર થઈ મતદાન પણ કર્યું છે. જીવન અને મૃત્યુ વિધિના લેખ પ્રમાણે થતું હોય છે આ બાબતને આત્મસાત કરી વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ પોતાના જીવન સાથીની વસમી વિદાય હૃદયમાં ધરબી દઈ પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થઈ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે.
વાત છે વડોદરા જિલ્લાના નાયબ જિલ્લા ચુંટણી અધિકારી વિવેક ટાંકની…તેમના પત્ની પ્રજ્ઞાબેન ટાંક કેન્સરની બીમારીથી ગ્રસ્ત હતા. તેમને ૨૭ તારીખે ફાની દુનિયામાંથી વિદાય લીધી. વિવેક ટાંક પત્નીની અંતિમ વિધિ જૂનાગઢ વતનમાં કરી ૨૯ તારીખે બેસણાની વિધિ પતાવીને ૩૦ તારીખે પરત ફરજ પર હાજર થયા છે અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી મતદાર તરીકેની ફરજ પણ અદા કરી છે.
વિવેક ટાંકે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાના કારણે દુ:ખદ પરિસ્થિતિમાં પણ ફરજ પર હાજર થઈને પોતાનું કામ શરૂ કરી દિધું છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી પણ નિષ્ઠાવાન અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જીવન સાથીની વસમી વિદાય પછી પણ ફરજ પર હાજર થયેલા અધિકારી માટે કોઈ શબ્દો ના હોવાનું જણાવી રહ્યા છે.
સામન્ય રીતે કર્મચારી અધિકારીઓ ચૂંટણીની કામગીરીથી ભાગવા નાના નાના બહાના કાઢી રજા પર ઉતરી જતાં હોય છે, ત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકશાહીના પર્વને સુપેરે પાર પાડવા દુ:ખદ ઘટનાને પચાવી પાડી માત્ર ત્રણ દિવસમાં હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.