- અમિત શાહ છોટાઉદેપુર, વલસાડ, દમણ-દીવમાં જનસભાને સંબોધશે.
અમદાવાદ, રાજ્યમાં લોક્સભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ૫ લાખથી વધુની લીડથી જીત માટે અનેક પ્રયાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર અર્થે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આવતીકાલે ૪ મેના રોજ ગુજરાતમાં ૩ સભાને સંબોધશે.
અમિત શાહ ૪ મેના રોજ છોટાઉદેપુર, વલસાડ, દમણ-દીવમાં જનસભાને સંબોધશે. છોટાઉદેપુરના બોડેલીમાં તેમજ વલસાડના વાંસદામાં ત્યારબાદ બપોરે ૩:૩૦ કલાકે દમણ-દીવમાં જનસભાને સંબોધશે. અત્રે જણાવીએ કે, અગાઉ અમિત શાહે અમદાવાદના નરોડા ગામમાં સભા યોજી હતી. અમદાવાદ પૂર્વ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ માટે યોજાયેલી આ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રીએ મત આપવા અપીલ કરી હતી. સાથે જ ગૃહમંત્રીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો હતો.
આ બેઠક પર ભાજપે જશુભાઈ રાઠવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે સુખરામ રાઠવા મેદાને ઉતાર્યા છે. જશુભાઈ રાઠવાની વાત કરીએ તો તેઓ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા જેમાં નજીવી સરસાઈથી હાર્યા હતાં. છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રહ્યાં તેમજ સ્થાનિક સ્તરે સારો જનસંપર્ક પણ છે. છોટાઉદેપુર ભાજપનો નિવવાદીત ચહેરો છે. તો સુખરામ રાઠવાની વાત કરીએ તો તે પીઢ કોંગ્રેસી નેતા છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. છોટાઉદેપુર બેઠક ઉપર ૩ ટર્મ ધારાસભ્ય રહ્યા છે. ૨૦૧૭માં પાવી જેતપુરથી વિધાનસભા ચૂંટણીમાં જીત થઈ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા છે.
ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવની લોક્સભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો સીધી ટક્કર છે. ભાજપે લાલુ પટેલને સતત ચોથી વખત રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવારે અત્યાર સુધી કરેલા વિકાસ કામોને લઈ મતદારો સમક્ષ વાત કહી રહ્યાં છે. જ્યારે ભાજપના સાંસદ અને સરકાર હોવા છતાં દીવ-દમણના પ્રવાસનનો વિકાસ થયો નહી હોવાનો દાવો કરી વેપારીઓને પડી રહેલી તકલીફો અને લોકોની સમસ્યાઓ મતદારો સમક્ષ વાત મુકી રહ્યાં છે. ગત ટર્મમા પણ બંને ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોવાથી આ વખતે પણ જંગ રોચક બને તેવી શક્યતા છે.