રાજકોટ, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી માટે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટમાં જનસભામાં ધારદાર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજકોટમાં પોતાના ભાષણની શરુઆત કવિતાથી કરીને કહ્યું હતું કે ’રાજકોટની ભૂમીએ ગુજરાતને ત્રણ-ત્રણ મુખ્યમંત્રીની ભેંટ આપી હોવા છતાં પણ રાજકોટની આશા-અપેક્ષા હજુ અધુરી છે.’ આ ઉપરાંત જણાવ્યું કે ’આ ૨૦૨૪ની ચૂંટણી સંસદ સંભ્ય બનવા માટેની ચૂંટણી નથી, સત્તા મેળવવા માટેની ચૂંટણી નથી, રાજના સિંહાસને બેસવા માટેની ચૂંટણી નથી, આ કોઈ વ્યક્તિથી વિરુદ્ધ વ્યક્તિની ચૂંટણી નથી કે આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી નથી, આ રૂપાલા વિરુદ્ધ ધાનાણીની ચૂંટણી નથી પણ સંવિધાનની સુરક્ષા માટેની ચૂંટણી છે, બંધારણીય અધિકારોને બચાવવા માટેની ચૂંટણી છે.’
આ ઉપરાંત કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ’સત્તાના સિહાસને બેઠેલા લોકોનો અહંકાર સાતમાં આસમાને પહોંચ્યો છે જેને ઓગાળવાની ચૂંટણી છે. ભાજપને જનસંઘની પૃષ્ટભૂમી પરથી એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર ન મળતા અમરેલીમાંથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરીને થોપી બેસાડવામાં આવ્યા છે. આ ગુજરાતની શાંત અને ભોળી પ્રજાને સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે.’
કોંગ્રેસના ઉમેદવારે લોકોના પ્રર્શ્ર્નો વિશે બોલતા કહ્યું કે ’આજે દોઢ વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંઝણી છે, અમારા મોઢે તો તમે તાળા માર્યા છે ત્યારે તમને પૂછુ છું કે તમે જેને ચૂંટીને મોકલ્યા તેમણે તમારી સમસ્યા વિશે વિધાનસભા કે સંસદ સભામાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો ખરા, કોઈ એક વ્યક્તિ આવીને કહીં દે કે અમારી પીડા, વેદનાને સંસદમાં કે વિધાનસભામાં વાચા આપી તો રૂપાલા સાહેબને હું બિનહરીફ જાહેર કરી દઉં.’