જયપુર, રાજસ્થાનના મોટા બિઝનેસ ગ્રુપ જેકેજે જ્વેલર્સ પર આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ અને હવાલા સંબંધિત વ્યવહારોના પુરાવા મળ્યા છે. આવકવેરા વિભાગ દેશભરના ત્રણ રાજ્યોમાં જ્વેલર્સ ગ્રૂપ સાથે જોડાયેલા સ્થળો સામે કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં છેલ્લા ૩ દિવસથી ૨૦થી વધુ સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. આ દરોડામાં વિભાગે ૩ કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે, આ સાથે બિઝનેસ ગ્રૂપના હવાલા બિઝનેસ સાથે સંબંધિત વોટ્સએપ ચેટની રિકવરી અંગેની માહિતી પણ સામે આવી રહી છે.
જંગી રોકડ, હવાલા અને અઘોષિત સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા બાદ શોધ સાથે શરૂ થયેલી આ કાર્યવાહી હવે જપ્તીમાં ફેરવાઈ ગઈ છે. રોકડની રિકવરી સાથે ૮ લોકરમાંથી ૪૫ કરોડની કિંમતનું સોનું અને ચાંદી મળી આવ્યા છે, જેનો હિસાબ મળ્યો નથી. એટલું જ નહીં, ૧૦૦ કિલોથી વધુ સોનાનો સ્ટોક પણ તપાસમાં નોંધાયો નથી.
આવકવેરા વિભાગ દ્વારા રિકવર કરાયેલી હાર્ડ ડિસ્કમાંથી જોશી ગ્રુપના બિનહિસાબી રોકડ વ્યવહારોનો ડેટા મળી આવ્યો છે અને ૧૦ કરોડ રૂપિયાના અઘોષિત કારોબારના પુરાવા પણ મળ્યા છે. ગ્રૂપ દ્વારા કંપનીઓમાં નકલી શેર મૂડી દાખલ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટના પ્લોટના વેચાણમાં પણ બિનહિસાબી રોકડના પુરાવા મળ્યા છે. વિભાગ દ્વારા દિલ્હી, કોલકાતા અને જયપુરમાં આ કાર્યવાહી ચાલુ છે.