બેગ્લુરૂ, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ હાસનથી સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એક પીડિતાની દીકરાની ફરિયાદ બાદ આ એક્શન લેવામાં આવી હતી. અહેવાલ અનુસાર વાયરલ વીડિયોમાં રેવન્નાને એ મહિલાનું યૌન શોષણ કરતું જોઈ શકાય છે.
દીકરાએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર તેની માતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગુમ મહિલાના ૨૦ વર્ષના દીકરાએ ગુરુવારે રાતે મૈસૂર જિલ્લાના કે.આર.નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. તેમાં કહેવાયું હતું કે તેની માતાને રેવન્ના પરિવારનો એક ઓળખીતો ફોસલાવીને લઇ ગયો. અપહરણ કરનારની ઓળખ સતીશ બબન્ના તરીકે થઇ હતી. આરોપ છે કે તેણે પ્રજવ્વલના પિતા અને જેડીએસ ધારાસભ્ય એચ.ડી.રેવન્નાના કહેવા પર મહિલાને પ્રજ્જવલ વિરુદ્ધ સાક્ષી પૂરતાં રોકવા માટે આવું કર્યું. ફરિયાદના આધારે પોલીસે એચ.ડી.રેવન્ના સામે અપહરણનો કેસ દાખલ કર્યો છે.
એફઆઈઆરમાં કહ્યું છે કે બબન્નાએ એચ.ડી.રેવન્નાની પત્ની ભવાની રેવન્ના બોલાવે છે એમ કહીને મહિલાને પોતાની સાથે જવા માટે મનાવી હતી.ફરિયાદી અનુસાર તેની માતાએ હોલેનરસીપુરમાં રેવન્નાના ઘરે અને તેના ખેતરમાં ૬ વર્ષ સુધી ઘરકામ કર્યું હતું. પણ તે ૩ વર્ષ પહેલા નોકરી છોડી ચૂકી હતી. પછી તે ગામડે આવી ગઇ હતી અને મજૂરી કરતી હતી.