દાહોદ થી ગોધરા તરફ તરબુચની આડમાં લઈ જવાતો રૂા. 5.60 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, તરબૂચની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી દાહોદ થી ગોધરા તરફ જતી પીકપવાન વહેલી પરોઢે નેશનલ હાઈવે પીપલોદ ઓવરબ્રિજ નજીક ગોધરા તરફના કટ નજીક આગળ જતા અજાણ્યા મોટા વાહનની પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલ પીપલોદ પોલીસને ક્ષતિ ગ્રસ્ત પિકપ વાનમાંથી તડબૂચની આડમાં મુકેલ રૂપિયા 5.60 લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ- 118 પકડી પાડી રૂા. 3 લાખની કિંમતની પીકપ ગાડી મળી રૂપિયા 8,60,400/- નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

એક પીકપ ગાડીનો ચાલક તેના કબજાની એમપી 43 સીજી 4921 નંબરની સફેદ કલરની પીકપવાનમાં મધ્યપ્રદેશથી તડબૂચની આડમાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભરી દાહોદ થઈ ગોધરા તરફ વહેલી પરોઢના ચારેક વાગ્યાના સુમારે જઈ રહ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઇવે પર પીપલોદ ઓવરબ્રિજથી ગોધરા તરફ જતા કટ નજીક આગળ જઈ રહેલા અજાણ્યા વાહનની સાથે ધડાકાભેર અથડાતા પિકપવાનનો ચાલક પોતાના કબજાની ક્ષતિગ્રસ્ત પિકપવાન સ્થળ પર જ છોડી નાસી ગયો હતો. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલ પીપલોદ પોલીસે ક્ષતિગ્રસ્ત પીકપવાનની તપાસ કરતા પીકઅપ વાનમાં ભરેલ તડબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો નજરે પડતા જ પોલીસ ચોકી ઉઠી હતી અને પોલીસે તે ક્ષતિગ્રસ્ત પીકપવાનમાંથી રૂપિયા 5,60,400/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ- 118 માં ભરેલ કુલ બોટલ નંગ 4,968 પકડી પાડી સદર દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની પીકપવાન મળી કુલ રૂપિયા 8,60,400/-નો મુદ્દામાલ કબજે લઈ આ સંદર્ભે પીકપવાનના ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.