
ગોધરા, ગોધરા તાલુકાના ભામૈયા ગામ પાસેથી પસાર થતી પાનમ રિચાર્જ કેનાલમાં પગ લપસતાં ડૂબેલા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું, ભારે જહેમત બાદ ફાયર વિભાગે યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ગોધરા તાલુકાના ભામૈયા ગામ પાસેથી પાનમ રિચાર્જ કેનાલ પસાર થાય છે. આ રિચાર્જ કેનાલમાં તા.3 મે શુક્રવારે સવારે દસ કલાકે એક 18 વર્ષીય યુવાન જયેશ રહાભાઈ ભરવાડ કેનાલ પાસે ગયો હતો. કેનાલ પાસે ગયેલા યુવાનનો પગ એકાએક લપસ્યો હતો, જેને લઇને જયેશ ભરવાડ કેનાલમાં ડૂબવા લાગ્યો હતો. બીજી તરફ ડૂબતા યુવાન દ્વારા બૂમરાણ મચાવતા સ્થાનિકો તેમજ યુવાનના પરિવારજનો કેનાલ પાસે પહોંચ્યા હતા અને યુવાનને બચાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બીજી તરફ કેનાલ ઊંડી હોય તેમજ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોવાથી યુવાનને બચાવવું અઘરૂં બન્યું હતું. જેને લઇને તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ડૂબેલો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે યુવાનના પરિવારજનો દ્વારા સ્થળ પર ભારે રોકકળ મચાવતા વાતાવરણ ગમગીન બન્યું હતું. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.