ભુવનેશ્વર, ઝારખંડ મુક્તિ મોરચાએ ઓડિશાની મયુરભંજ લોક્સભા સીટ માટે તેના ઉમેદવારનું નામ જાહેર કર્યું. પૂર્વ સીએમ હેમંત સોરેનની બહેન અંજની સોરેન જેએમએમની ટિકિટ પર મયુરભંજથી ચૂંટણી લડશે. અંજની સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેનની પુત્રી છે. જેએમએમએ મયુરભંજ બેઠક પરથી અંજની સોરેનની ઉમેદવારી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
મયુરભંજ લોક્સભા સીટ પર અંજનીના નામની જાહેરાત બાદ હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે. વાસ્તવમાં આ સીટ પર ભાજપે નબા ચરણ માઝીને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત મેળવી હતી. આ વખતે ભાજપે મયુરભંજથી પોતાનો ઉમેદવાર બદલીને બિશેશ્ર્વર ટુડુની જગ્યાએ નબા ચરણ માઝીને મેદાનમાં ઉતાર્યા છે. સુદામ મરાંડી બીજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. સુદામ મરાંડી એક સમયે ઓડિશામાં ઝારખંડ મુક્તિ મોરચાના ટોચના નેતા હતા પરંતુ બાદમાં તેઓ બીજેડીમાં જોડાયા હતા. સુદામ મરાંડી જન આધાર ધરાવતા નેતા છે અને હવે બીજેડીના સમર્થનથી તેમનો દાવો વધુ મજબૂત છે. હવે અંજની સોરેનના નામની ઘોષણાથી અહીં સ્પર્ધા અઘરી બની છે.
મયુરભંજ તેની સરહદ ઝારખંડના સિંહભૂમ જિલ્લા સાથે વહેંચે છે. અંજની સોરેન ૨૦૧૯માં પણ આ સીટ પરથી ચૂંટણી લડી હતી અને ત્રીજા સ્થાને રહી હતી. હવે ફરી એકવાર તેમના ચૂંટણી લડવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. મયુરભંજ લોક્સભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી છે અને અહીંની સાત વિધાનસભા બેઠકોમાંથી છ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જેએમએમ સાથે ગઠબંધનને કારણે કોંગ્રેસે અહીં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.