કોંગ્રેસના શાસનમાં અમરેલીનો વિકાસ થયો નથી,ભરત સુતરિયા

અમરેલી,ગુજરાતમાં લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ દરમિયાન જેનીબન ઠુમ્મરે ભાજપના ઉમેદવારને ઓપન ચેલેન્જ આપતા કહ્યું કે, ’હું કોઈ પણ મંચ પર ભાજપના ઉમેદવાર નક્કી કરે તે મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છું.’ જો કે, ભાજપના ઉમેદવારે આ ચેલેન્જનો સ્વીકાર કરીને જવાબ આપ્યો છે.

કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને જવાબ આપતા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે, જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ (કોંગ્રેસ) કહેતા કે,કેશુભાઈ પટેલ સાત ચોપડી ભણેલા છે, પરંતુ તેમણે કોઠાસૂઝથી અનેક વિકાસના કામ કરી બતાવ્યા. કોંગ્રેસના શાસનમાં અમરેલીનો વિકાસ થયો નથી. હું ઓછો ભણેલો પરંતુ ગણેલો છું, ભણેલા જ નહીં ગણેલા પણ રાજનીતિમાં આગળ વધીને વિકાસના કામ કરી શકે છે.’

અમરેલી લોક્સભા બેઠક પર વર્ષ ૧૯૫૭થી ૨૦૧૯ સુધીમાં ૧૬ વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં ૮ વખત કોંગ્રેસ, ૭ વખત ભાજપ અને ૧ વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોક્સભા બેઠક પર ૧૯૫૭થી ૧૯૮૪ દરમિયાન સાત ટર્મ સુધી સતત ૨૭ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જો કે, ૧૯૮૯માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ ૧૯૯૧માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ ૧૯૯૧થી ૧૯૯૯ સુધી જીતતા રહ્યા. જો કે, ૨૦૦૪માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. ૨૦૦૯થી ૨૦૧૯ સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા.