અકસ્માતમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતરાઇ ભાઇ સહિત ૨ના મોત

કાંગડા, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના મામાના દીકરા એટલે કે ક્રિકેટરના પિતરાઇ ભાઇનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. આ અકસ્માત હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો જેમાં કુલ બે લોકોના મોત થયા છે. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જો કે કાંગડા પોલીસે હવે તેની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર કાંગડા જિલ્લાના ગગ્ગલમાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. યુવકોમાંનો એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનો પિતરાઈ ભાઈ હતો, જેની ઓળખ ગગ્ગલના રહેવાસી મંગો રામના પુત્ર સૌરભ તરીકે થઈ છે. બીજા યુવકની ઓળખ ૧૯ વર્ષીય શુભમ તરીકે થઈ છે, જે કુથમન ગામના રહેવાસી હતો.

મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે સૌરભ શુભમ સાથે સ્કૂટી પર ગગ્ગલથી બનોઈ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા વાહને સ્કૂટરને ટક્કર મારી હતી. વાહનની ટક્કરથી સ્કૂટર પર સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હતો. તે જ સમયે આરોપી ડ્રાઈવર ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગગ્ગલ પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું વાહન પણ જપ્ત કર્યું હતું.