રશિયા યુક્રેન વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો

વોશિગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા પર યુક્રેન સામેના આંતરરાષ્ટ્રીય કેમિકલ હથિયાર પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે રશિયાએ યુક્રેનિયન સૈનિકો સામે ચોકીંગ એજન્ટ ક્લોરોપીક્રીન તૈનાત કર્યું છે. અમેરિકાએ રશિયા પર યુક્રેનમાં રમખાણ નિયંત્રણ એજન્ટોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ દ્વારા ક્લોરોપીક્રીનને પ્રતિબંધિત ચોકીંગ એજન્ટ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે રશિયન સેના યુક્રેનિયન દળોને તેમના ગઢમાંથી ભગાડવા માટે આવા રસાયણોનો ઉપયોગ કરી રહી છે. હકીક્તમાં, તાજેતરના મીડિયા અહેવાલમાં યુક્રેનિયન આર્મીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રશિયાએ એજન્ટોનો ગેરકાયદેસર ઉપયોગ વધાર્યો છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે ક્લોરોપીક્રીન ઉપરાંત રશિયા સીએસ અને સીએન ગેસથી ભરેલા ગ્રેનેડનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ની રાત્રે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. થોડા કલાકો પછી, એટલે કે ૨૪ ફેબ્રુઆરીની વહેલી સવારે, યુક્રેનની રાજધાની કિવ અને આસપાસના શહેરોમાં અચાનક હવાઈ હુમલાઓ થવા લાગ્યા. રશિયાના આ હુમલાથી સમગ્ર વિશ્ર્વમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

યુદ્ધની શરૂઆત સાથે જ વિશ્ર્વ બે જૂથોમાં વહેંચવાનું શરૂ કર્યું. જ્યારે નાટોના સભ્ય દેશો યુક્રેનને સમર્થન આપવા ઉભા થયા ત્યારે અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ યુદ્ધમાંથી બહાર રહીને તેની મદદ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ ચીન, દક્ષિણ કોરિયા, ઈરાન જેવા દેશો પ્રત્યક્ષ કે આડક્તરી રીતે રશિયાની સાથે ઉભા છે. ભારતની વાત કરીએ તો તેણે કોઈનો પક્ષ લીધો ન હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આ યુદ્ધને ખતમ કરવા માટે જાહેરમાં પ્રતિબદ્ધ છે.