ભાવનગર, દિલ્હી દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરૂવારે ગુજરાતના બોટાદમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા અને આપ પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં. રોડ શો દરમિયાન કાર્યર્ક્તાઓને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે જો તપાસ ચાલશે તો શું તેને ૧૦ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? ચાલુ તપાસમાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સરમુખત્યારશાહી છે.
સુનીતાએ વધુમાં કહ્યું કે, અરવિંદ દેશભક્ત છે, તે આઈટી કમિશનર હતા. પણ તેમને સમાજસેવા કરવી હતી એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. મને પૂછ્યું હતું કે, તેમને સમાજસેવા કરવી છે કઈ વાંધો નથી. તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા છે. સુગરનો રોગ છે અને તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. તેવામાં તેમની કિડની લીવરને નુક્સાન થશે. દિલ્હીએ તેમને ત્રણ વખત સીએમ બનાવ્યા છે. તમે ગુજરાતમાં ૫ ધારાસભ્યો આપ્યા છે. તેનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તેમને જેલમાં પુરવામાં આવ્યો છે પરંતુ તે સિંહ છે.
અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતાં અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલો હતો. આ આરોપોને ફગાવી આપ કહે છે કે દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.