વોશિગ્ટન, યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત છઠ્ઠી વખત છે જ્યારે ફેડરલ રિઝર્વે વ્યાજ દર ૫.૨૫% અને ૫.૫% વચ્ચે જાળવી રાખ્યો છે. આ દર છેલ્લા બે દાયકામાં સૌથી વધુ છે. બે દિવસીય બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના સંકેતો દર્શાવે છે કે આર્થિક ગતિવિધિઓ સારી ગતિએ ચાલી રહી છે. જો કે, ભાવિ આર્થિક સ્થિતિ અનિશ્ચિત છે અને ફેડરલ રિઝર્વ ફુગાવાના ભય અંગે સાવચેત છે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ફુગાવો દર ૨%ની આસપાસ ન આવે ત્યાં સુધી વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા નથી. તમામ કમિટીના સભ્યો વ્યાજ દરમાં ફેરફાર નહીં કરવાના નિર્ણય સાથે સંમત થયા છે. આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે ફેડરલ રિઝર્વ (અમેરિકાની મધ્યસ્થ બેંક) એ કોઈપણ રીતે વ્યાજ દરોમાં વધારો કર્યો નથી. ગયા વર્ષે પણ વ્યાજ દરમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો ન હતો.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં છેલ્લો વધારો ૨૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ થયો હતો. તે સમયે માત્ર ૦.૨૫% વધારો થયો હતો. વાસ્તવમાં, ફેડરલ રિઝર્વ માર્ચ ૨૦૨૨ અને જુલાઈ ૨૦૨૩ વચ્ચે ૧૧ વખત મળ્યા, જે દરમિયાન ફુગાવાના દરને ઘટાડવા માટે વ્યાજ દરમાં ૫.૨૫% નો વધારો કરવામાં આવ્યો. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૨માં અમેરિકામાં મોંઘવારી દર ૪૦ વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. જો કે આ પછી વ્યાજ દરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જૂન ૨૦૨૨ માં ૯.૧% સુધી પહોંચ્યા પછી, જૂન ૨૦૨૩ માં વાષક ગ્રાહક ફુગાવો ૩% પર આવી ગયો. પરંતુ ઓગસ્ટમાં તે ફરી વધીને ૩.૭% થયો. આ પછી ડિસેમ્બરમાં તે ઘટીને ૩.૪% થઈ ગયો. માર્ચમાં, યુ.એસ.માં ગ્રાહક ફુગાવો વાર્ષિક ધોરણે ૩.૫% અને માસિક ધોરણે ૦.૪% વધ્યો હતો, જે બંને બજારની અપેક્ષાઓ કરતાં વધુ હતા.
ફેડ દ્વારા વ્યાજદર જાહેર કરાયા બાદ શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૨૩ ટકા વધીને ૩૭,૯૦૩.૩૦ પર બંધ થયો હતો. આ સિવાય એસએન્ડપી ૫૦૦ ૧૭.૩૦ પોઈન્ટ ઘટીને ૫,૦૨૯ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ ૫૨.૩૪ પોઈન્ટ ઘટીને ૧૫,૬૪૬ પોઈન્ટ્સ રહ્યો હતો.