
મુંબઇ,
સાતારા જિલ્લા પ્રશાસને ગઈ કાલે બીજાપુરના આદિલશાહી વંશના કમાન્ડર અફઝલ ખાનની કબરની આસપાસ સરકારી જમીન પર બનેલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યાં હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજે રાજ્યના સાતારા જિલ્લામાં પ્રતાપગઢ કિલ્લા નજીક અફઝલ ખાનની હત્યા કરી હતી અને તેની યાદમાં ત્યાં જ તેની કબર બનાવી હતી. ૧૫થી ૨૦ ગૂંઠા જમીન (એક ગૂંઠા એટલે લગભગ ૧૦૮૯ ચોરસ ફુટ) પર ફેલાયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ગઈ કાલે વહેલી સવારે ભારે પોલીસ-બંદોબસ્ત હેઠળ શરૂ કરવામાં આવી હતી એમ જણાવતાં સાતારાના કલેક્ટર રુચેશ જયવંસીએ વધુમાં ઉમેર્યું હતું કે અફઝલ ખાનની કબરની આસપાસ બાંધવામાં આવેલાં પાકી રૂમ જેવાં ગેરકાયદે બાંધકામોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. હાઈ કોર્ટના આદેશ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. જમીનનો કેટલોક હિસ્સો વન વિભાગનો છે, જ્યારે કેટલોક મહેસૂલ વિભાગનો છે એમ તેમણે ઉમેર્યું હતું.