દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતતા કેળવવા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત સમગ્ર દાહોદ જીલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી રહી છે.
દેવગઢ બારીયા ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સ્વીપ અભિયાન હેઠળ મહેંદી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 500 થી વધુ બહેનોએ મતદાનનો સંદેશો આપતી મહેંદી એકબીજાના હાથમાં અવનવી ભાતની મહેંદી મુકાવી અંદર મતદાન જાગૃતિને લગતા સૂત્રો લખી તેમજ ટીમલી નૃત્ય કરીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપી અચૂક મતદાનના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, સી.ડી.પી.ઓ. એમી જોસેફ, દેવગઢ બારીયા મામલતદાર સમીર પટેલ અને ધાનપુર મામલતદાર ડી.એન.મોદી ઉપસ્થિત રહ્યા હતા.