- 07મી મે ના રોજ જીલ્લા કુલ 6784 પોલીંગ સ્ટાફને જરૂરી ચીજવસ્તુઓની કિટ આપવામાં આવશે
- હિટ વેવની પરિસ્થિતિને ધ્યાને લઈ મતદાન મથકો પર ઠંડા પાણી તથા કુલરની વ્યવસ્થા માટે પ્રયત્ન કરવા જીલ્લા ચૂંટણી અધિકારીની પ્રાંત અધિકારીઓને અપીલ.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 17-ખેડા લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર હેઠળ વિશાળ સંખ્યામાં પોલીંગ સ્ટાફ ચૂંટણીના પૂર્વ દિવસથી તૈનાત હોય છે.
ખેડા જીલ્લાના તમામ 1696 મતદાન મથકો પર કુલ 6784 પોલીંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા તૈયાર છે. ત્યારે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીંગ સ્ટાફની સગવડને સુનિશ્ચિત કરવા એક નવતર પહેલ કરવામાં આવી છે. ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીંગ સ્ટાફને જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી ચીજવસ્તુઓની કિટ આપવામાં આવશે. જેમાં જે તે પોલીંગ સ્ટાફને કોલગેટ, સાબુ, શેમ્પુ, હેર ઓઈલ, બિસ્કીટ, મસાલા ચણા દાળ પેકેટ, મસાલા સેવ પેકેટ, ચોકલેટ અને ફાસ્ટ કાર્ડ સહિત કુલ રૂ.148 ની ચીજવસ્તુઓની કીટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચાલી રહેલ હીટ વેવના સમયમાં મતદાન મથકો પર આવતા મતદારોને ગરમીથી મળે તે હેતુથી ઠંડા પાણીની તથા કુલર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ દ્વારા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.