હાલમાં જ એક પાકિસ્તાની નૌકા પરથી છસો કરોડના મૂલ્યનું ૮૬ કિલોગ્રામ હેરોઇનની જપ્તી ભારતમાં નશાના વધતા કારોબારમાં વિદેશી ષડયંત્રનો ખુલાસો કરે છે. જોકે આ એકમાત્ર ઘટના નથી, હાલનાં જ વર્ષોમાં અબજો રૂપિયાના નશીલા પદાર્થોની જપ્તી કરવામાં આવી છે. અસલમાં કેટલાય દેશોના સત્તા પ્રતિષ્ઠાનોની મિલીભગતથી નાર્કો-આતંકવાદના એક મોટા પેટર્નને અંજામ આપવામાં આવી રહ્યો છે. નિશ્ર્ચિતપણે આ ષડયંત્ર આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર પડકાર છે. પહેલાંનો અનુભવ દર્શાવે છેકે જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નશાના કારોબારથી અજત ધનને આતંકવાદના પોષણમાં લગાવવામાં આવે છે. આતંકવાદીઓને હથિયાર અને પૈસા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગયા વર્ષના મે મહિનામાં પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબી અને નૌકાદળના સંયુક્ત મિશન દ્વારા કેરળ તટ પર અઢી હજાર કિલોગ્રામ નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પંદર હજાર કરોડ રૂપિયા ગણાવવામાં આવી હતી. આ દેશમાં ઝડપાયેલી અત્યાર સુધીની સૌથી મોટી નશાની ખેપ હતી.
ગયા મહિને ગુજરાતના તટ પર સાઇઠ પેકેટ ડ્રગ્સ લઈ જતી એક નૌકાને જ્યારે જપ્ત કરવામાં આવી ત્યારે છ પાકિસ્તાની ચાલક દળના સદસ્યોની ધરપકડ કરવામાં આવી. આ જ રીતે ફેબ્રુઆરીમાં પોરબંદર તટ પર પાંચ વિદેશી નાગરિકોને ચરસ અને ૩૩૦૦ કિલોગ્રામ નશીલા પદાર્થો સાથે પકડવામાં આવ્યા હતા. અસલમાં આ નશાના કારોબારની શરૂઆત હંમેશાં અફઘાનિસ્તાનથી થાય છે, જ્યાં અફીણ અને હેરોઇનનું મોટા પાયે ઉત્પાદન થાય છે. નશાનો આ કારોબાર હવે અફઘાન સરકારની આવકનો મોટો ાોત પણ છે. જોકે હાલના ઘટનાક્રમ સમુદ્ર દ્વારા માદક પદાર્થોની તસ્કરીનો સામનો કરવા માટે ગંભીર ઉપાયોની જરૂરિયાત દર્શાવે છે. જેના માટે મજબૂત કાયદા, પ્રવર્તન એજન્સીઓની ભાગીદારી, કુશળ ગુપ્તચર તંત્ર, નૌસેના અને તટરક્ષક દળોમાં તાલમેલ અને આતંકરોધી ટીમ દ્વારા નિરીક્ષણ તંત્રને મજબૂત બનાવવાની જરૂર છે.
એ પણ વિચારણીય પ્રશ્ર્ન છે કે નશીલા પદાર્થ કઈ રીતે અને ક્યાં ભારતમાં વેચાઈ રહ્યા છે. નશીલા પદાર્થોની માંગ પક્ષને પણ સંબોધિત કરવાની જરૂર છે. નશીલી દવાઓની રોકથામની સાથે જ પુનર્વાસ કાર્યક્રમો કરવાની જરૂર છે. સાથે જ નશા વિરુદ્ઘ યુવાઓ વચ્ચે જાગરુક્તા અભિયાન ચલાવવાની જરૂર છે. એ ઉપાયોને લાગુ કરવા પડશે જે યુવાઓને નશાથી દૂર રાખવામાં મદદગાર થઈ શકે. જ્યારે પણ નશાની કોઈ મોટી ખેપ જપ્ત થાય છે તો આપણી ચિંતા વધી જાય છે. સોમવારે પંજાબમાં નશાની એક મોટી ખેપ સાથે ડ્રગ મની અને અન્ય ગેરકાયદે સામાન જપ્ત કરવામાં આવ્યા. આ કાળા ધંધામાં આરોપી વ્યક્તિ જ નહીં, તેની પુત્રી અને જમાઈ પણ સંડોવાયેલા હતા. આ નશાનો સામાન પાકિસ્તાનના રસ્તે ભારત પહોંચી રહ્યો હતો. સવાલ થાય છે કે જો આટલા મોટા પાયે નશીલા પદાર્થોની જપ્તી ન થઈ હોત તો કેટલાય યુવા નશીલા પદાર્થોનું સેવન કરીને પથભ્રષ્ટ થતા? દેશનું કેટલું ધન વિદેશોમાં ચાલ્યું જતું? આ નશાથી મળનારાં નાણાં સમયાંતરે આતંકવાદ અને અપરાધની દુનિયાને મજબૂત કરતા.
હાલના દિવસોમાં જ નશીલા પદાર્થોની ભારે માત્રામાં જપ્તી એ વાત તરફ ઇશારો કરે છે કે દેશમાં નશીલા પદાર્થોની ખપત સતત વધી રહી છે જે નિશ્ર્ચિત રૂપે દેશની યુવા શક્તિને પતનના માર્ગ તરફ લઈ જઈ રહી છે. જોવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન કરનારા યુવા મોંઘો નશો કરવા માટે અપરાધની દુનિયામાં ઉતરી જાય છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે પંજાબ અને દેશના અન્ય ભાગોમાં દર વર્ષે હજારો યુવા નશાના ઓવરડોઝથી મોતની ચુંગાલમાં ફસાઈ જાય છે. એવામાં દેશના ભવિષ્યને બચાવવા માટે આપણે રાષ્ટ્રીય સ્તર પર વધારાના સુરક્ષા ઉપાયો કરવાની જરૂર છે. ગયા વર્ષે પંજાબમાં ડ્રોન દ્વારા નશીલા પદાર્થો ભારત લાવવાના કેટલાય મામલા પ્રકાશમાં આવ્યા. કેટલાય ડ્રોન તોડી પાડવામાં આવ્યા અને ભારે માત્રામાં નશીલા પદાર્થો અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા. આ હાલતમાં સુરક્ષા તંત્રને મજબૂત કરવા, નશામુક્તિ અભિયાન ચલાવવા અને નશેડીઓના પુનર્વાસ માટે ગંભીર પ્રયાસ કરવાની જરૂર છે.