એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે, નરેન્દ્ર મોદી

  • આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે ,વડાપ્રધાન

પાલનપુર, અમદાવાદ: ગુજરાતમાં ૭ મેએ લોક્સભાની ૨૫ સીટો પર મતદાન થવાનું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે સાથીઓ ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખુબ લાંબા ગાળા સુધી મને મુખ્યમંત્રી રાખીને તમે જે અનુભવની તક આપી તે આજે દિલ્હીમાં કામ લાગે છે.

પીએમ મોદીએ પૂર્વની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ૨૦૨૪ પહેલા દેશમાં એવી સરકાર હતી જ્યાં ચારે તરફ આતંકવાદ અને ભ્રષ્ટાચાર હતો. દેશમાં નિરાશાનો માહોલ હતો. તમે ગુજરાતના ભાઈ-બહેનોએ મને ૨૫ વર્ષથી સરકારમાં કામ કરતો જોયો છે. તેમણે કહ્યું કે દેશના સામર્થ્યનો હું એક પૂજારી બન્યો છું. ત્રીજી ટર્મમાં દેશને વિકસિત ભારત બનાવીશું. ત્રીજા ટર્મની સરકાર બને તે પહેલા ૧૦૦ દિવસના કામનો એક્શન પ્લાન બનાવી લીધો છે. ત્રીજા કાર્યકાળમાં ગરીબના કલ્યાણ અને ખેતીના કલ્યાણ માટે કામ કરીશું.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની બધી સીટ જીતીને મને સંતોષ નથી, આપણે બધા પોલીંગ બુથ જીતવાના છે. તમારો એક મત ઉમેદવારને નહીં પરંતુ મને મળશે. ગુજરાતમાં કોંગ્રેસને એકવાર હરાવ્યા બાદ પરત ફરવા દીધી નથી. એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે. બીજી ચૂંટણી આવી તો ૨૦૧૯માં ચોકીદાર ચોર અને મોદી ખૂનના સોદાગર કહેતા હતા. ૨૦૧૯ની ચૂંટણી પછી આ લોકોએ મોદીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઊર્જા માટેનો દિવસ અને એ નિમિતે આ વખતે આપણે સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહિ રહેવા દઈએ.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં હજુ ઓછી સીટો જીતશે. પ્રથમ બે તબક્કાના મતદાન પર કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને એકપણ સીટ મળશે નહીં. આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે. અનામત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે. એસટી, એસસી અને ઓબીસીને જે અનામત કાયદામાં મળ્યું છે તે કોઈ છીનવી શકે નહીં.

પીએમ મોદીએ કહ્યું કે મને ગુજરાતીએ મોટો કર્યો છે તો તમે ચિંતા ન કરો. તેમણે કહ્યું કે દેશના લોકોએ કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો છે તેને હું લૂંટાવા દઈશ નહીં. ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે આ ચૂંટણી એવી છે જેમાં ગાંધી પરિવાર કોંગ્રેસને જ મત આપી શકશે નહીં.વડાપ્રધાન મોદીને જાહેરસભાને સંબોધન પહેલા જ સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતાં તેમણે કહ્યું કે ૨૦૧૪ પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. પહેલા દેશમાં આતંકવાદ અને રમખાણના ના જ સમાચાર મળતા. આ વખતની લોક્સભા ચૂંટણીમાં મારા ૨૦-૨૫ વર્ષના અનુભવને લઈને આવ્યો છું. નવી સરકારમાં અમારી પાસે ૧૦૦ દિવસનો પ્લાન તૈયાર છે. દેશમાં અત્યારે લોકો મોદીની ગેરેંટી આપી રહ્યા છે અને આ ગેરંટી હિંમતથી જ આપી શકાય છે. ડિસામાં જનસભાને સંબોધતાપીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મારી મજાક કરનારાઓને દેશે મજબૂત જવાબ આપ્યો મોદી પર લોહીની દલાલી કરવાના આરોપ લગાવ્યા. તેમના રાજકુમારે ઓબીસી સમાજનું અપનામ કર્યું. તેઓએ મારા માતા પિતાને પણ ખરાબ કહ્યાં. ૨૦૧૯ પછી તેઓએ મોદીનું અપમાન કરવાનું વધારી દીધું છે. તમે ગુજરાતથી કોંગ્રેસને હટાવી ફરી તેમને પગ ના મુકવા દીધો.એ યાદ રહે કે વડાપ્રધાન ૨ દિવસીય ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે આજે તેમણે ડિસા અને હિમંતનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું આવતીકાલે તેઓ આણંદના શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ શાી મેદાનમાં સભા યોજશે. તેમજ આણંદ અને ખેડા લોક્સભા મત વિસ્તારના મતદારો અને નાગરિકોને સંબોધન કરશે. લોક્સભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે રાજ્યમાં મોદીની મુલાકાત વધુ સુચક રહેશે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રુપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાને હટાવો અને કોંગ્રેસને મત આપો જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જો કે પીએમ મોદીની મુલાકાતના પૂર્વ દિવસે ક્ષત્રિય આગેવાનો દ્વારા શાંતિથી વિરોધ કરવાની અપીલ કરાઈ હતી.