કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ૨૬ મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં આ યુદ્ધનો અંત આવે તેવું લાગતું નથી. આ દરમિયાન ફરી એકવાર રશિયા તરફથી મિસાઈલ હુમલાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લેક સી પોર્ટ સિટી ઓડેસામાં મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં અનેક રહેણાંક ઈમારતો સહિત સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુક્સાન થયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ રશિયન સરહદથી માત્ર ૩૦ કિલોમીટર દૂર આવેલા યુક્રેનિયન શહેર ખાકવ પર ગ્લાઈડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલામાં એક બહુમાળી રહેણાંક મકાનને પણ નુક્સાન થયું હતું. યુક્રેન બે વર્ષથી વધુ સમયથી રશિયન આક્રમણને અટકાવી રહ્યું છે. રશિયન સેના દરરોજ ખાકવ અને ઓડેસાના મુખ્ય શહેરો પર મિસાઇલો અને ડ્રોન છોડવાનું ચાલુ રાખે છે.
યુક્રેનના એક અધિકારીએ હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરિયા કિનારે એક પછી એક અનેક બોમ્બ વિસ્ફોટ થયા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. અહેવાલો અનુસાર, રશિયન હુમલામાં નાશ પામેલી ઇમારતોમાં એક શૈક્ષણિક સંસ્થા હતી, જેને બોલચાલની ભાષામાં ’હેરી પોટર કેસલ’ તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓએ તેના ટાવર અને છત સળગતી હોવાની તસવીરો પણ શેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રોસીક્યુટર જનરલ એન્ડ્રે કોસ્ટીને કહ્યું કે મિસાઈલનો કાટમાળ અને ધાતુના ટુકડા મળી આવ્યા છે. તેમણે કહ્યું કે દુ:ખની વાત એ છે કે ઘાયલોમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે.
કોસ્ટિને જણાવ્યું હતું કે લગભગ ૨૦ રહેણાંક ઇમારતો અને જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે નુક્સાન થયું છે. જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. એક અલગ ઘટનામાં, રશિયન અધિકારીઓએ ક્રિમિયામાં યુક્રેન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાને રોકવામાં સફળતાનો દાવો કર્યો છે.