
- ખાતુભાઈ પગી તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
- શહેરા ખાતે ખાતુભાઈ પગી કોંગ્રેસ પક્ષ માંથી વિધાનસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ.
શહેરા.
શહેરા ભાજપના અગ્રણી કહેવાતા ખાતુભાઇ પગીને ટીકીટ નહિ મળતા ભાજપ પક્ષથી નારાજ થઈને કોંગ્રેસમાંં જોડાયા હતા. ખાતુભાઇ પગી સહિત તેમના સમર્થકોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ માંથી ખાતુભાઈ ચૂંટણી લડી શકે તેવી શક્યતા વધુ જોવાઈ રહી છે.

શહેરા વિધાનસભા બેઠક પર આ વખતની ચૂંટણી લડવા માટે ભાજપ અગ્રણી કહેવાતા ખાતુભાઈ પગીએ ટીકીટની માંગણી કરી હતી. જોકે, ભાજપ દ્વારા ફરી એક વખત ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રીપીટ કરવામાં આવતા ખાતુભાઇ પગી અને તેમના સમર્થકો ભારે નારાજ થયા હતા. ખાતુભાઈ પગી એ વર્ષ 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ માંથી ટિકિટ માંગવા છતાં ભાજપ પક્ષ દ્વારા આ વખતે પણ જેઠાભાઇ ભરવાડને રીપીટ કરતા ખાતુભાઈ પગીએ તેમના સમર્થકો ચર્ચા કરીને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ખાતુભાઈ પગી અને તેમના નિકટના ગણાતા સમર્થકોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરીને ભાજપને રામ…રામ કર્યા હતા. ખાતુભાઈ પગી કોંગ્રેસ પક્ષમાં જોડાતા હવે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ શહેરા બેઠક પર સક્ષમ ઉમેદવાર તરીકે ખાતુભાઈ પગીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેવા સાથે મતદારો પણ કયા પસંદગીના ઉમેદવારને જીતાડશે તેતો મત ગણતરીના દિવસે ખબર પડી જશે તેમ છે. હાલ તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો આ બેઠક પર જાહેર કરી દેવામાં આવ્યા હોય ત્યારે આવનાર દિવસમાં ઉમેદવારો પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.
બોક્સ…
શહેરામાં ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા ખાતુભાઇ પગીએ જણાવ્યું હતું કે, હું 30વર્ષથી ભાજપ સાથે જોડાયેલો હતો. મેં બે વખત વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ માંથી ટિકિટની માંગણી કરી હતી. આ વખતે પણ મને ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી નથી. હું મારા સમર્થકો સાથે ચર્ચા કરીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. હું મારા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છીએ અને આ વખતે કોંગ્રેસની જીત નક્કી છે.
બોક્સ…
શહેરા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની જાહેરાત થતાની સાથે ભાજપમાં નારાજગીના સૂર જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ અને તાલુકા ભાજપ અગ્રણી કહેવાતા ખાતુભાઈ પગીનેે ટિકિટ નહીં મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ખાતુભાઈ પગી બારીયા ક્ષત્રિય સમાજના અગ્રણી હોવા સાથે તેમનું સારૂં એવું નામ ધરાવે છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.