બાલાસિનોર ડમ્પિંગ સાઈટ પાસેના કુવાના પાણી કેમિકલ યુકત મળ્યા

બાલાસિનોર, બાલાસિનોર જમીયતપુરાની સીમમાં મેસર્સ મોર્યા પ્રા.લિ.વેસ્ટ કેમિકલ ડમ્પિંગ કરવાની સાઈટ 2019થી કાર્યરત છે. ત્યારબાદ બાલાસિનોર તાલુકાની બોડોલી, ભોગીયાકિનારી અને બળિયાદેવ એમ ત્રણ ગ્રામ પંચાયતના મતદારો દ્વારા ડમ્પિંગ સાઈટના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યુ હતુ. આ સાઈટમાં ડમ્પ કરાતા કેમિકલ જમીનમાં ઉતરતા આસપાસ કુવાઓમાં કેમિકલ યુકત પાણી આવ્યુ હોવાના આક્ષેપ કરાયા હતા. ત્યારે વારંવાર આવેદનપત્રો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ત્રણ ગ્રામ પંચાયત દ્વારા ચિમકી ઉચ્ચારતા તંત્ર હરકતમાં આવી શરતી હુકમ કરાતા નાયબ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ દ્વારા કુવાના પાણીનુ ટેસ્ટિંગ કરતા પાણી પીવાલાયક ન હોવાનુ બહાર આવતા કુવાઓમાં આવતુ કેમિકલ યુકત દુષિત પાણી તાત્કાલિક અસરથી ત્રણ દિવસમાં અટકાવી દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને જો પ્રાંત અધિકારી દ્વારા કરેલ હુકમનો અમલ ન કરાય તો મેસર્સ મોર્યા એન્વાયરો પ્રોજેકટ પ્રા.લિ.ને તાત્કાલિક અસરથી બંધ કેમ ન કરવી તે બાબતે તા.2 મે 2024ના રોજ સવારના 11 વાગ્યે હાજર રહેવા જણાવ્યુ હતુ.