- મુલુંડ પોલીસે આ કેસમાં હત્યા, કાવતરું અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંધ્યો છે
મુંબઇ, મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના મુલુંડ વિસ્તારમાં તંદૂરી ચિકનના પૈસાને લઈને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં એક યુવક ઘાયલ થયો છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક યુવકની ઓળખ અક્ષય નાર્વેકર તરીકે થઈ છે. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો.
માત્ર ૨૦૦ રૂપિયાના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગે જાણ કરતાં પોલીસને ઘટનાની જાણ થઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે અક્ષય અને તેનો મિત્ર આકાશ સાબલે નામના બે યુવકો લોહીથી લથપથ પડ્યા છે. પોલીસે જણાવ્યું કે બંનેને જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ અક્ષયને મૃત જાહેર કર્યો હતો જ્યારે આકાશની હાલત હજુ પણ નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષય અને તેનો મિત્ર આકાશ રવિવારે બપોરે થાણેના ક્સિાન નગર વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં તંદૂરી ચિકન ખરીદવા ગયા હતા. તંદૂરી ચિકન લીધા બાદ રેસ્ટોરન્ટના કેશિયરે તેને ૨૦૦ રૂપિયાનું બિલ આપ્યું. તેની પાસે રોકડ ચુકવણી ન હતી. તેણે ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવવાનું કહ્યું. દુકાનમાં સ્વાઇપિંગ મશીન નહોતું તેથી કેશિયરે તેમને રોકડમાં ચૂકવણી કરવાનું કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં અક્ષયે ગૂગલ પે દ્વારા ૨૦૦ રૂપિયા ચૂકવ્યા. પરંતુ કેશિયરે કહ્યું કે ખાતામાં પેમેન્ટ આવ્યું નથી. આ બાબતે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અક્ષય અને તેના મિત્રએ રેસ્ટોરન્ટ બંધ કરવાની ધમકી આપી હતી. એટલામાં દુકાનદારના ૩-૪ મિત્રો ત્યાં આવ્યા. દલીલબાજી વધી જતાં આરોપીઓએ લોખંડના સળિયા અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા, મુલુંડ પોલીસે આ કેસમાં હત્યા, કાવતરું અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.