મુંબઇ, મહારાષ્ટ્રથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યાં છે. અહીં મુંબઇ-આગરા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૦ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા જ્યારે ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
નાસિકના મુંબઈ-આગરા હાઈવે પર અકસ્માત થયા બાદ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
અહેવાલો મુજબ નાસિકથી જલગાંવ જઈ રહેલી મુસાફરો ભરેલી બસ સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. બસને કાપીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માત સર્જાયો ત્યારે તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ટાયર ફાટતાં બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.