જસદણમાં ૪૦૦ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં નાસભાગ મચી ગઇ

રાજકોટ, રાજકોટમાં બાળકો સહિત ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક સાથે આટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્ર પણ દોડતું થયુ હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામે સોમવારે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આસપાસના ગામોમાંથી એક હજારથી વધુ લોકો આવ્યા હતા. માંડવામાં પ્રસાદ લીધા બાદ એક સાથે ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હડકંપ મચી ગયો હતો. આમાં કેટલાક ૫થી ૧૨ વર્ષના બાળકો પણ સામેલ હતા. આ સમાચાર મળતા જ તંત્ર પણ દોડતું થયું હતું. ઉલ્લેખનીય છે કે આ પછી ફૂડ વિભાગે પ્રસાદમાં બનેલ રસોઈના સેમ્પલ લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અસરગ્રસ્તોને તાત્કાલિક જસદણની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. હાલ તમામ અસરગ્રસ્તો સંપૂર્ણ ભયમુક્ત છે. ઉલ્લેખનીય છે કે ગોખલાણા ગામે પાણીના ટાંકા પાસે આવેલા બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજુબાજુના ગ્રામજનોને પ્રસાદનું આમંત્રણ હોવાથી પ્રસાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં પ્રસાદી લીધા બાદ લોકોને અસર થઈ હતી.