બીજીંગ, દક્ષિણ ચીનના ૧૯ મિલિયન લોકોના શહેર ગુઆંગઝૂમાં આવેલા પ્રચંડ વાવાઝોડામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને ૩૩ થી વધુ ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે ૧૪૧ ફેક્ટરીની ઇમારતોને નુક્સાન થયું છે, પરંતુ કોઈ રહેણાંક મકાનો ધરાશાયી થયા નથી, તેમ ચીની સમાચાર એજન્સી ઝિન્હુઆએ જણાવ્યું હતું. તે કહે છે કે ટોર્નેડો લેવલ-ત્રણની તીવ્રતા પર હતો, જે ઉચ્ચતમ સ્તર પાંચ કરતા બે ઓછો હતો. હોંગકોંગથી લગભગ ૮૦ માઈલ (૧૩૦ કિલોમીટર) દૂર આવેલા ગુઆંગઝોઉ શહેર, ગુઆંગડોંગ પ્રાંતની રાજધાની છે.
અહેવાલો અનુસાર બાયયુન જિલ્લાના લિયાંગટિયન ગામમાં હવામાન મથક, ટોર્નેડો જ્યાંથી ત્રાટક્યું ત્યાંથી લગભગ ૧.૭ માઇલ દૂર સ્થિત છે. એવું નોંધવામાં આવ્યું હતું કે ટોર્નેડો દરમિયાન મહત્તમ પવનની ઝડપ ૨૦.૬ મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં શોધ અને બચાવ કામગીરી પૂરી થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ વાવાઝોડું દક્ષિણ ચીનમાં ઘણા દિવસોના ભારે વરસાદ પછી આવ્યું છે, જેના કારણે ભયંકર પૂર આવ્યું છે અને લાખો લોકોના જીવન જોખમમાં છે કારણ કે બચાવકર્મીઓ વધતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગુઆંગડોંગ પ્રાંતમાં પૂર યથાવત છે, જેના કારણે ૧૧૦,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, રાજ્ય મીડિયાએ સ્થાનિક સરકારને ટાંકીને અહેવાલ આપ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં ગુઆંગડોંગમાં પૂરમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. દક્ષિણ ચીનમાં ભારે વરસાદને કારણે લાખો લોકોને ગંભીર પૂરનું જોખમ છે. ૧૬ એપ્રિલથી, દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશોમાંના એક, ગુઆંગડોંગમાં સતત મુશળધાર વરસાદ પડ્યો છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આબોહવા કટોકટી હવામાનમાં ફેરફાર કરવાનું ચાલુ રાખશે, જે જીવલેણ સાબિત થશે, જો કે, અમેરિકાની જેમ ચીનમાં ટોર્નેડો વારંવાર આવતા નથી. ૧૯૬૧ પછીના ૫૦ વર્ષમાં દેશમાં ટોર્નેડોના કારણે ઓછામાં ઓછા ૧,૭૭૨ લોકો માર્યા ગયા હતા.