રાતોરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રિલાયન્સના પરિમલ નથવાણીને મળવા પહોંચ્યા

  • મોદીની જાહેર સભા યોજાવાની છે ત્યાં સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી

જામનગર, જામનગરમાં આગામી ૨ મેના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા યોજવાની છે. ત્યારે તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તેમજ હાલ જ્યારે રાજપૂત સમાજ દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર ખાતેની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી સાંજે ઓચિંતા જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.

હર્ષ સંઘવીએ સૌપ્રથમ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે ત્યાં સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. આ સમયે તેમની સાથે રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સભાસ્થળની ટૂંકી મુલાકાત લીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રી રોકાણ કરવા માટે રવાના થયા હતા.

જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રી રોકાણ દરમિયાન હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા તથા જામનગર શહેરના ભાજપના બંને ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટસ અફૈર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ પણ સયાજી હોટેલ ખાતે હર્ષ સંઘવી સાથે ખાસ મુલાકાત કરી હતી.

જ્યારે આ તમામ મહાનુભાવો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે હર્ષ સંઘવી સાંસદ પૂનમ માડમના નિવાસસ્થાન ખાતે મુલાકાત લેવા પહોંચ્યા હતા, અને મોડી રાત્રિના ચૂંટણી પ્રચારમાંથી પરત ફરેલા જામનગર લોક્સભાના બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમ માડમ સાથે થોડા સમય માટે મુલાકાત લીધી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોટલ સયાજી ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પરત જવા રવાના થયા હતા.

જામનગરની સયાજી હોટલ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ લોક્સભા ચૂંટણીમાં કશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના પીએમ નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશની ધુરા આપવા માટે એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી બીજી મેના રોજ જામનગરની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને જામનગર ખાતે સભાને સંબોધન કરશે. જેના ભાગરૂપે તૈયારીઓની સમીક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જામનગરના દિલમાં મોદી છે અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જામનગરના ચૂંટણી કાર્યાલયો અને રાત્રિના સમયે જામનગરની શેરીઓ-ગલીઓની પણ મુલાકાત લેવાનો પણ અવસર મળ્યો. આ ઉપરાંત આગેવાનો સાથે બેઠકો પણ કરવામાં આવી.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજવીઓના નિવેદન અંગે ગુજરાતના અનેક રાજવીઓએ ટિપ્પણી આપી છે. આ ખૂબ જ દુ:ખદ બાબત છે કોંગ્રેસના આ શહેજાદા દ્વારા નિઝામ હોય કે નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર તમે ક્યારેય કોઈપણ પ્રકારના સ્ટેટમેન્ટ નહીં સાંભળ્યા હોય, જેના ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડા ઉપર સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ ખૂબ જ ફેમસ છે. ભાવનગરના આપના ઉમેદવાર દ્વારા રાજપૂતો અંગે આપવામાં આવેલી સ્ટેટમેન્ટ ખૂબ જ નિંદનીય કહેવાય અને દુ:ખની બાબત છે.

રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના પ્રશ્ર્ન મામલે સંઘવીએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ એ અમારા પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યો સાથે મળવું વાતચીત કરવી એ રોજિંદુ કાર્ય છે. રાજપૂત સમાજ સાથે કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયોને લઈને બેઠક કરવામાં આવી નથી. પરિવારના સભ્યો હોય એમ સામાન્ય વાતચીત ચાલુ છે અને એ જ રીતે વાતચીત ચાલી રહી છે.