હવે શિંદે જૂથના સંજય નિરુપમને મોટો ફટકો, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર ઊભા

મુંબઇ, કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા સંજય નિરુપમને હવે એકનાથ શિંદેની શિવસેના તરફથી મોટો ઝટકો લાગ્યો છે. શિંદે જૂથ શિવસેનાએ મુંબઈની ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે આ સીટ પર ટિકિટ ન મળવાના વિવાદ બાદ સંજય નિરુપમે કોંગ્રેસ છોડી દીધી હતી. આ પછી એવું માનવામાં આવતું હતું કે તેઓ ટિકિટ માટે શિંદે જૂથ અને ભાજપ સાથે સંપર્કમાં હતા. જોકે શિવસેનાએ નોર્થ-વેસ્ટ સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારીને નિરુપમને આંચકો આપ્યો છે.

સંજય નિરુપમે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેઓ મુંબઈ નોર્થ-વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડશે પરંતુ અપક્ષ તરીકે નહીં. જો કે, હવે મહાગઠબંધન (ભાજપ, શિવસેના, એનસીપી) તરફથી રવિન્દ્ર વાયકરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી, સંજય નિરુપમ પાસે હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

શિવસેનાના ઉદ્ધવ જૂથે મુંબઈ ઉત્તર પશ્ર્ચિમ બેઠક પરથી અમોલ કીતકરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સંજય નિરુપમ પોતે આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. આ પછી સંજય નિરુપમે પોતાની જ પાર્ટીની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી હતી. તેમણે કોંગ્રેસ પર મહાવિકાસ આઘાડી સરકાર સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી મલ્લિકાર્જુન ખડગેએ સંજય નિરુપમને તાત્કાલિક અસરથી ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.