તબીબી લાપરવાહી વધી રહી છે : ૧ વર્ષમાં ૫૨ લાખ ફરિયાદો નોંધાઇ

નવીદિલ્હી : સમગ્ર ભારતમાં હોસ્પિટલો, ક્લિનિક્સ અને અન્ય સંભાળ કેન્દ્રોમાં દરરોજ દર્દીઓ પ્રત્યે તબીબી બેદરકારી આચરવામાં આવી રહી છે . નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના નવીનતમ સંશોધન મુજબ, ભારતમાં એક વર્ષમાં તબીબી બેદરકારીના ૫૨ લાખ કેસ નોંધાયા છે. એટલું જ નહીં, એક વર્ષમાં મેડિકલ લિટિગેશનના કેસોમાં ૪૦૦ ટકાનો આશ્ર્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સનો અભ્યાસ દર્શાવે છે કે માત્ર ૪૬ ટકા હોસ્પિટલો અથવા કેર સેન્ટરો નૈતિક દિશાનિર્દેશોનું પાલન કરે છે.

અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તબીબી બેદરકારીના કારણે ૮૦ ટકા મૃત્યુ સજકલ ભૂલોને કારણે થાય છે, જયારે ઇમરજન્સી સેવાઓમાં ૭૦ ટકા મૃત્યુ ગેરવહીવટને કારણે થાય છે. નોંધનીય છે કે તબીબી બેદરકારી એ કોઈપણ તબીબી વ્યાવસાયિકની બેદરકારી સૂચવે છે – પછી તે ડોક્ટર, નર્સ, ડેન્ટિસ્ટ, ટેકનિશિયન અથવા હોસ્પિટલનો કોઈ કર્મચારી હોય. તે ત્યારે થાય છે જયારે આરોગ્ય સંભાળ વ્યવસાયી સમાન પ્રશિક્ષિત તબીબી વ્યાવસાયિકોની તુલનામાં સ્વીકૃત ધોરણોથી વિચલિત થાય છે, પરિણામે દર્દીને નુક્સાન થાય છે.

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના ડેટા અનુસાર, મેડિકલ બેદરકારીની સૌથી વધુ ફરિયાદો પંજાબમાં ૨૪ ટકા, પશ્ર્ચિમ બંગાળમાં ૧૭ ટકા, મહારાષ્ટ્રમાં ૧૬ ટકા અને તમિલનાડુમાં ૧૧ ટકા નોંધાઈ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સજકલ પ્રક્રિયાઓમાં અસમર્થતા અથવા અજ્ઞાનતા દર્દીના મૃત્યુ તરફ દોરી જતી નથી. વાસ્તવમાં, ઘણી વખત આરોગ્ય સંભાળ ટીમોમાં સંચાર અંતર અથવા સંકલન અંતરને કારણે મૃત્યુ થાય છે.

અભ્યાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે મોટા ભાગના લોકો ફરિયાદ કરતી વખતે તબીબી અને કાયદાકીય પરિભાષા સમજવામાં સંઘર્ષ કરે છે. આ કારણે પીડિતોને તબીબી વ્યાવસાયિકો સાથે વાત કરવામાં અને તેમના અધિકારોને સમજવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત, મોટાભાગે પીડિતોને ફરિયાદ કરવામાં સૌથી મોટી સમસ્યા સારવાર માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવે છે, જે સામાન્ય રીતે માત્ર હોસ્પિટલ અને ડોક્ટર પાસે જ ઉપલબ્ધ હોય છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ બેદરકારીની ફરિયાદ રાજય મેડિકલ કાઉન્સિલને બે વર્ષમાં ઓનલાઈન કે ઓફલાઈન માયમથી કરી શકાય છે.

ડો. નરેન્દ્ર રૂંગટા, ઇન્ટેન્સિવ કેર એક્સપર્ટ કહે છે કે, ભારતમાં તબીબી બેદરકારીના સૌથી વધુ કેસ નોંધાયા છે. ભારત પછી અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કમનસીબે, ભારતમાં આ આંકડાઓ ટ્રેક કરવામાં આવતા નથી. પરંતુ ભારતમાં વધુ ફરિયાદો થવાનું એક કારણ એ છે કે તેની કોઈ કિંમત નથી. ભારતમાં ફરિયાદો વધવાનું એક કારણ ડોકટરો વચ્ચે વધતી સ્પર્ધા છે, જેના કારણે તેઓ તેમના સાથીઓની ટીકા કરવામાં જરાય શરમાતા નથી. પરંતુ તેના કારણે સામાન્ય લોકો અને ડોકટરો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડે છે.