મુંબઇ ૧૪ એપ્રિલે સલમાન ખાનના મુંબઈ ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે. અભિનેતાના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં પણ કોર્ટ કડક છે. સોમવારે એક વિશેષ અદાલતે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા નિવાસની બહાર ફાયરિંગના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ૮ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
વિશેષ એમસીઓસીએ ન્યાયાધીશ એએમ પાટીલે આરોપી વિકી ગુપ્તા (૨૪), સાગર પાલ (૨૧) અને અનુજ થાપન (૩૨)ને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. તે જ સમયે, સોનુ કુમાર ચંદર બિશ્ર્નોઈ (૩૭)ને તબીબી આધાર પર ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. શનિવારે, પોલીસે કથિત શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલ તેમજ હથિયાર સપ્લાયર સોનુ કુમાર ચંદર બિશ્ર્નોઈ અને અનુજ થાપન, ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને વિદેશમાં રહેતા તેના ભાઈ અનમોલ બિશ્ર્નોઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
લોરેન્સ બિશ્ર્નોઈ અને તેનો ભાઈ અનમોલ બિશ્ર્નોઈ આ કેસમાં વોન્ટેડ આરોપી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેમેરામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોર્ટે વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થપનને ૮ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ દરમિયાન બિશ્ર્નોઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
સરકારી વકીલ જયસિંહ દેસાઈએ આરોપીની કસ્ટડીની માગણી કરતાં કહ્યું હતું કે, પોલીસે કાવતરાનો પર્દાફાશ કરવા માટે વિગતવાર તપાસ કરવાની જરૂર છે. આ કેસના આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલ બિહારના રહેવાસી છે. બંનેની ૧૬ એપ્રિલે ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સોનુ અને થાપનની પંજાબમાંથી ૨૫ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.