સેમીફાઈનલમાં ભારતની શરમજનક હારના પાંચ કારણો જવાબદાર હવે ૧૩ નવેમ્બરે મેલબોર્નમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે.
એડિલેડ,
જોસ બટલર (અણનમ ૮૦) અને એલેક્સ હેલ્સ (અણનમ ૮૬) ની આક્રમક બેટિંગે રોહિત શર્માની ટીમનું ટી૨૦ વિશ્ર્વકપ જીતવાનું સપનું રોળી દીધું છે. એડિલેડમાં આઈસીસી ટી૨૦ વિશ્ર્વકપ ૨૦૨૨ની સેમીફાઇનલ મેચમાં ભારતને ૧૦ વિકેટે પરાજય આપી દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર ૧૬ ઓવરમાં વિના વિકેટે ૧૭૦ રન બનાવી ભારતને મોટી હાર આપી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ ઓવરથી આક્રમક વલણ અપનાવ્યું હતું. પાવરપ્લેમાં બંને ઓપનરોએ વિના વિકેટે ૬૩ રન બનાવી લીધા હતા. જોસ બટલર ૪૯ બોલમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૮૦ રન બનાવી અણનમ રહ્યો હતો. તો એલેક્સ હેલ્સ ૪૭ બોલમાં ૭ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથે ૮૬ રન બનાવી અણનમ રહ્યો હતો.
સેમીફાઇનલ જેવી મહત્વની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ બીજી ઓવરમાં માત્ર ૫ રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં ૧ વિકેટે માત્ર ૩૮ રન બનાવ્યા હતા. રોહિત શર્માના રૂપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા ૨૮ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૨૭ રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો.
ભારતને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો.સૂર્યકુમાર ૧૦ બોલમાં ૧૪ રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં ચોથી અડધી સદી ફટકારી હતી. કોહલી ૪૦ બોલમાં ચાર ફોર અને ૧ સિક્સ સાથે ૫૦ રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૪૦૦૦ રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ભારતની શરૂઆત ધીમી રહી હતી. ટીમે પ્રથમ ૧૦ ઓવરમાં માત્ર ૬૨ રન બનાવ્યા હતા. પરંતુ અંતિમ ઓવરોમાં હાદક પંડ્યાએ આક્રમક બેટિંગ કરીને ભારતનો સ્કોર ૧૬૫ને પાર પહોંચાડ્યો હતો. હાદક પંડ્યાએ ૩૩ બોલમાં ૫ છગ્ગા અને ૪ સિક્સ સાથે ૬૩ રન બનાવ્યા હતા. હાદક ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. રિષભ પંત ૬ રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોર્ડને ૩ વિકેટ અને રાશિદ તથા વોક્સે એક-એક વિકેટ લીધી હતી.
ભારતની હાર માટેના કારણો જોઇએ તો ઓપનિંગ જોડી ફરી ન ચાલી : સુપર-૧૨માં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ પાર્ટનરશિપ નિષ્ફળ ગઈ હતી અને સેમીફાઈનલમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રોહિત-રાહુલ ઈંગ્લેન્ડ સામે માત્ર ૯ રન બનાવીને આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાને ફરી સારી શરૂઆત મળી ન હતી અને પાવરપ્લેમાં માત્ર ૩૮ રન જ બનાવી શકી હતી.
રોહિત અને સૂર્યાનુૂં ખરાબ પ્રદર્શન : કેપ્ટન રોહિત શર્માનું બેટ આખા ટી 20 વર્લ્ડ કપમાં ચાલ્યું ન હતું અને સેમી ફાઇનલમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રોહિતે ૨૮ બોલમાં ૨૭ રન બનાવ્યા, તેનો સ્ટ્રાઈક રેટ ૧૦૦થી ઓછો હતો. બીજી તરફ સૂર્યકુમાર યાદવે ૧૦ બોલમાં ૧૪ રન બનાવ્યા હતા.
ભારતની નબળી બોલિંગ : સુપર-૧૨માં શાનદાર બોલિંગ કરનાર અર્શદીપ સિંહ અને ભુવનેશ્ર્વર કુમારે સેમિફાઈનલમાં નિરાશ કર્યા હતા. બંને પાવરપ્લેમાં ન તો વિકેટ લઈ શક્યા કે ન તો રન રોકી શક્યા. ભુવનેશ્ર્વર કુમારનો ઈકોનોમી રેટ ૧૦ રન પ્રતિ ઓવરથી વધુ હતો. શમી, અશ્ર્વિન અને પંડ્યાએ પણ પ્રતિ ઓવરમાં ૧૦થી વધુ રન લૂંટ્યા.આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ ક્યાંક ને ક્યાંક હારનું કારણ હતું. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં વિકેટ લેનારા સ્પિનરને સ્થાન આપ્યું ન હતું. અક્ષર પટેલને તક આપવામાં આવી હતી, જે માત્ર રન રોકવાનું કામ કરે છે, યુઝવેન્દ્રને આખી ટૂર્નામેન્ટમાં તક આપવામાં આવી ન હતી.