ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો, ૪૧.૪ ડિગ્રી સાથે મહુવા બન્યું સૌથી ગરમ શહેર

અમદાવાદ,બે દિવસ બાદ રાજ્યનાં ૧૦ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યું છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાતા લોકોને બપોરનાં સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ પવનની દિશા બદલાતા અમદાવાદવાસીઓએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો. ત્યારે આગામી ૨૪ કલાક દરમ્યાન અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, એપ્રિલ મહિનાનાં અંતે તાપમાનનો પાર ૪૦ ડિગ્રીને પાર ગયો હતો. ત્યારે ત્રણ દિવસ અગાઉ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ પવનની દિશામાં પલ્ટો થવાનાં કારણે પ્રી-મોન્સુન એક્ટિવીટીને લઈ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જીલ્લામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો.

ગત રોજ અમદાવાદ શહેરનું તાપમાન ૪૦.૫ ડિગ્રી, જૂનાગઢનાં કેશોદનું તાપમાન ૪૧.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૧ અને અમરેલીમાં ૪૧ ડિગ્રી, આણંદમાં ૪૦.૯, વડોદરામાં ૪૦.૬ અને કંડલામાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાતના પૂર્વ તેમજ દક્ષિણ ભાગમાં અમુક જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી જીલ્લામાં વરસાદની શક્યતાઓ છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા તાપમાનનો પારો ૪૦ ડિગ્રી રહેવા પામ્યો હતો.