દાહોદ જીલ્લામાં આકસ્મિક મોતના બનાવમાંં બે વ્યકિતના મોત

દાહોદ,દાહોદ જીલ્લામાં આકસ્મિક મોતના જુદી જુદી જગ્યાએ બનેલા બે બનાવોમાં 21 વર્ષીય આશાસ્પદ યુવાન સહિત બે જણાના અટાણે મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. દાહોદ જીલ્લામાં દિન પ્રતિ દિન વધી રહેલા આકસ્મિક મોતના બનાવોને પગલે તંત્ર ચિંતિત બન્યું છે. તેવા સમયે દાહોદ જીલ્લામાં આકસ્મિક મોતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ નજીક છાપરી ગામે નિશાળ ફળિયામાં પરમદિવસ તારીખ 26- 4- 2024ના રોજ મોડી સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં છાપરી ગામના નિશાળ ફળિયામાં રહેતા 21 વર્ષીય પવનભાઈ મહેશભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં અંદરના રૂમની સીલીંગમાં લગાવેલ પંખો લટકાવવાના લોખંડના હુક ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ મોત મીઠું કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ દાહોદ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મરણજનાર પવનભાઇ મહેશભાઇ મકવાણાની લાશ નો કબજો લઈ લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી. આ મામલે પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જીલ્લામાં આકસ્મિક મોતનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે ઝોરા ફળિયામાં બનવા પામ્યો હતો. જેમાં કાળી ડુંગરી ગામે ઝોરા ફળિયામાં રહેતા 33 વર્ષીય હિંમતભાઈ ઉર્ફે ઈસુ વિનોદભાઈ પટેલ નામના યુવકે ગત તારીખ 25 -4-2024 ના રોજ બપોરના દોઢ વાગ્યાથી તારીખ 27- 4-2024 ના રોજ બપોરના પોણા બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ વખતે પોતાના ગામની ઉજ્જવળ નદીના પટમાં આવેલ બાવળના એક ઝાડ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરી જીવતર ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવેલ.

દેવગઢ બારીઆ પોલીસે મરણ જનાર હિંમતભાઈ ઉર્ફે ઈસુ વિનોદભાઈ પટેલની લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને દેવગઢ બારીઆ સરકારી દવાખાને મોકલી આપી આ મામલે દેવગઢ બારીઆ પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.